વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોન્ડા ખાતે આમ આદમી પાર્ટીના દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ તેમજ વિવિધ યુવા કાર્યકર્તાઓ સાથે વિશેષ બેઠકનું આયોજન થયું હતું. જેમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.
AAP કાર્યકરો સાથે બેઠક : પોતે અનંત પટેલ છે એમ સમજી દરેક મતદારોને રૂબરૂ મળી આદિવાસી સમાજના હક-અધિકાર માટે ચૂંટણી લડતાં ઉમેદવારને આગામી ચૂંટણીમાં મતદાન કરે તે માટે સમજણ આપવા માટે અનંત પટેલે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
ભાજપને ચાબખા માર્યા : વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને આદિવાસી નેતા અનંત પટેલે જણાવ્યું કે, વલસાડ ડાંગ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે કોંગ્રેસની સામે ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે એવા કોઈ સક્ષમ ઉમેદવાર નથી, એટલે તેમણે દિલ્હીથી ઉમેદવાર મેદાનમાં ઉતારવા પડ્યા છે.
ભાજપ ઉમેદવાર પર આક્ષેપ : અનંત પટેલે નાનાપોઢા ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, ભાજપે જે ઉમેદવાર દિલ્હીથી આયાત કર્યા છે એ ઉમેદવાર વાંસદાના સ્થાનિક છે જ નહીં. તેઓનો પરિવાર વર્ષો પહેલાં નવસારી ગયો હતો અને તેઓ સુરત રહે છે. એટલે તેઓ જો સ્થાનિક કહી રહ્યા હોય તો તેઓ સ્થાનિક એટલે કે વાંસદાના છે જ નહીં. તેઓ મૂળ સુરતમાં રાંદેરમાં રહે છે.
વલસાડ-ડાંગ લોકસભા બેઠક : અનંત પટેલે જણાવ્યું કે, ભાજપ માટે વલસાડ-ડાંગ ખૂબ મોટી ચેલેન્જ રહ્યું છે. તેમની પાસે સમક્ષ ઉમેદવાર ઉતારવા માટે એવો કોઈ ચહેરો નથી, આથી બહારથી ઉમેદવાર લાવવો પડ્યો છે. ભાજપ પાસે વલસાડ ડાંગમાં એવા કોઈ સક્ષમ ઉમેદવાર જ નથી. જોકે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં સંભવિત ઉમેદવારોના ચાર-પાંચ નામ ચર્ચાયા હતા. પરંતુ તે પૈકી એકને પણ ભાજપે ટિકિટ આપી નથી.
અનંત પટેલનો દાવો : ઇન્ડિયા ગઠબંધન સાથે રહી આમ આદમી પાર્ટીને સાથે રાખી વલસાડ ડાંગ લોકસભામાં ચૂંટણીની તૈયારીઓ આનંદ પટેલ આરંભી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ આમ આદમી પાર્ટીને સાથે રાખીને આગામી દિવસમાં મોટા માર્જિનથી ચૂંટણી જીતશે.