નડીયાદ: ઇન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ ધરાવતી 26 વર્ષિય યુવતી દીક્ષા અંગિકાર કરી સંયમનો માર્ગ અપનાવશે. 1લી મે ના રોજ મહેસાણાના જૈન તીર્થધામ નંદાસણ ખાતે દીક્ષા અંગિકાર કરશે. દીક્ષા અંગિકાર પહેલા નડીયાદ અને કપડવંજમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે.
જૈન તીર્થોમાં ખુલ્લા પગે વિહાર કર્યો: મૂળ કપડવંજના અને નડીયાદ ખાતે સ્થાયી થયેલા શાહ પરિવારની દીકરી 26 વર્ષિય આશ્કા ઈન્ટિરિયર ડીઝાઈનિંગનો અભ્યાસ ધરાવે છે. અભ્યાસ બાદ તેણી એક ખાનગી કંપનીમાં સારા હોદ્દા પર જોબ કરતી હતી પરંતુ બાળપણથી જ ધર્મ પારાયણ હોઈ સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યુ હતુ. આશ્કાએ સાધ્વીજી સાથે જુદા જુદા જૈન તીર્થોમાં ખુલ્લા પગે વિહાર કરી અઢી વર્ષથી તપ કરી કઠીન જીવન જીવ્યું છે.
મહેસાણા ખાતે દીક્ષા અંગિકાર કરશે: આશ્કા 1લી મે ના રોજ મહેસાણા જીલ્લાના જૈન તિર્થ ધામ નંદાસણ ખાતે ભક્તિયોગાચાર્ય ૫. પૂ. આ.ભ. યશોવિજયસૂરી મહારાજ, આજીવન આયંબિલના તપસ્વી આ.ભ. હેમવલ્લભસૂરિ મહારાજાની નિશ્રામાં આ દિકરી દીક્ષા અંગીકાર કરશે. દીક્ષા અંગિકાર પહેલા 13 એપ્રિલના રોજ મૂળ વતન કપડવંજ ખાતે અને 14 એપ્રિલના રોજ નડીયાદ ખાતે ધામધૂમ પુર્વક ભવ્ય શોભાયાત્રા નીકળશે.
સંયમના માર્ગે વળી તેનું ગૌરવ: દિકરીના દાદા અશોકભાઈ શાહે જણાવ્યુ હતું કે આશ્કા બાળપણથી જ ધર્મ પરાયણ તરફ વળેલી છે. તેણી સંયમના માર્ગે વળી છે તેનુ અમને ગૌરવ છે. અમારા જૈનોમાં 99 યાત્રા કરવાની હોય છે. તે 99 યાત્રા તેણે પુર્ણ કરી છે. યાત્રા પછી એ વધુ ધર્મ પરાયણ બની. હેમવલ્લભ મહારાજની નિશ્રામાં તેમના માર્ગદર્શનથી વધુ ને વધુ ધર્મ તરફ વળી અને ધાર્મિક અભ્યાસ કરવાનું શરૂ કર્યુ. તેણી છેલ્લા બે-અઢી વર્ષથી સાધ્વીજી મહારાજ સાથેના જ વૃંદમાં રહેતી હતી. તેણીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જુદા જુદા જૈન તીર્થોમાં સાધ્વીજી મહારાજ સાથે ખુલ્લા પગે વિહાર કર્યો છે. તપ કરી કઠીન જીવન જીવવાનુ તેણીએ છેલ્લા અઢી વર્ષથી શરૂ કર્યુ છે. તે ભાગ્યે જ ઘરે રહેતી હતી. ધીમે ધીમે આ સંસારના સુખોનો તેણીએ ત્યાગ કર્યો. હવે તે 1લી મે ના રોજ મહેસાણા જીલ્લાના નંદાસણ તીર્થધામમાં દીક્ષા અંગિકાર કરશે.