દમણ: સંઘપ્રદેશ દમણના દલવાડામાં ગ્રામ પંચાયત દ્વારા ચાલતી ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાય-ભેંસના મોત થી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. ગૌશાળામાં શુક્રવારે સાંજે આ વિસ્તારની ફુડ કંપનીમાં વધેલું ફુડ પશુઓને ખાવા માટે અપાયું હતું. જે બાદ શનિવારથી સતત એક પછી એક પશુના ટપોટપ મોત થવા માંડ્યા છે. આ ગૌશાળામાં કુલ 200 ગાય છે.
2 દિવસમાં 52 ગાય-ભેંસોના મોત: સંઘપ્રદેશ દમણના દલવાડામાં ગ્રામ પંચાયત દ્વારા બીમાર, અશક્ત, નિઃસહાય ગાયો-ભેંસ માટે ગૌશાળા ઉભી કરવામાં આવી છે. આ ગૌશાળાનું ગ્રામ પંચાયત દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં સુત્રોનું માનીએ તો, છેલ્લા 2 દિવસમાં અંદાજીત 50 થી વધુ ગાય-ભેંસના મોત થયા છે. હરકતમાં આવેલ પ્રશાસનના અધિકારીઓએ પશુ ડોકટર પાસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધર્યા બાદ પોલીસ સાથેની એક ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
સમોસાનો વધેલો વેસ્ટ ખાધા બાદ ગાયો-ભેંસોના મોત: પશુઓના મોત અંગે પ્રાથમિક મળતી જાણકારી મુજબ દલવાડા સ્થિત ગૌશાળામાં આ જ વિસ્તારમાં આવેલી એક ફૂડ કંપનીમાંથી સમોસાનો વધેલો વેસ્ટ ખોરાક આપી ગયા હતાં. જે ખાધા બાદ બીજા દિવસથી ગાયો-ભેંસોના મોતનો સિલસિલો શરૂ થયો છે. જેમાં શુક્રવારે સાંજે અપાયેલ ખોરાક બાદ શનિવારે 8 જેટલા પશુના મોત થયા હતાં. અને રવિવાર બપોર સુધીમાં અંદાજીત 52 પશુઓના મોત થઈ ચૂક્યા હોવાનું જીવદયા પ્રેમીઓ પાસેથી જાણવા મળ્યું છે.
પશુ ડોક્ટર અને પોલીસ દ્વારા તપાસ: પશુઓના મોત અંગે વધુ વિગતો જાણવા દલવાળા ગ્રામપંચાયતના સરપંચનો કોન્ટેકટ કરતા તેઓ હાલ બહાર હોઈ વધુ વિગત પ્રશાસન તરફથી મળશે. તેવું જણાવતા આ અંગે દમણ મામલતદારના મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયત્ન કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. જે બાદ દમણ કલેકટર સૌરભ મિશ્રાનો મોબાઈલ ફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણકારી મળી તે બાદ પશુ ડોકટર અને પોલીસની એક ટીમ હાલ તપાસ કરી રહી છે. તેમને મળેલી વિગત મુજબ 15 થી 20 પશુઓના મોત થયા છે. આ ગૌશાળા પ્રાઇવેટ સંચાલકો દ્વારા ચાલાવવામાં આવતી હતી. અને પશુઓના મોત અંગેના ચોક્કસ કારણો સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
જીવદયા પ્રેમીઓમાં અરેરાટીનો માહોલ: ગૌશાળામાં પશુઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. તો, એક સમયે આ ગૌશાળાની શરૂઆત કરનાર દમણ-દિવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ સાથે ટેલીફોનિક વાત થતા તેઓએ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગત નવેમ્બરમાં પ્રશાસને આ ગૌશાળા સરકારી પ્લોટમાં હોવાનું જણાવી તેમની સામે કાર્યવાહીની ચીમકી આપતા તેઓએ ગૌશાળાનું સંપૂર્ણ સંચાલન પ્રશાસનને સુપરત કર્યું હતું. જે અંગે તેઓએ કલેકટર દમણને પત્ર આપી ગૌશાળાનો હવાલો સુપ્રત કરી દીધો હતો.
તપાસના આદેશ આપી તંત્ર છટકી રહ્યું છે: જય જલારામ (પીડાગ્રસ્ત) ગૌશાળા દલવાડાનું તે બાદ સંપૂર્ણ સંચાલન પ્રશાસનના અધિકારી એવા કલેકટર, BDO, દલવાળા ગ્રામ પંચાયત દ્વારા સંચાલન કરવામાં આવતું હતું. જો કે હાલ ફૂડ પોઇઝનિંગ કે અન્ય કોઈ કારણથી મોટી સંખ્યામાં પશુઓના મોત થતા હવે આ મામલે તપાસના આદેશ આપી પ્રશાસન છટકી રહ્યું હોવાની પ્રતીતિ જીવદયા પ્રેમીઓમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મોતને ભેટેલ તમામ ગાય-પશુઓના પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને જમીનમાં દાટી દેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તો, પશુ ડોકટર વિજય પરમારે આપેલી વિગતો મુજબ 17 ગાય સારવાર બાદ સારી સ્થિતિમાં છે જ્યારે, હજુ 12 ગાય સારવાર હેઠળ છે.