પોરબંદર: દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વિમિંગ કોમ્પિટિશન યોજાય છે, જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોમાંથી અને ગુજરાતમાંથી તરવૈયાઓ ભાગ લે છે, ત્યારે આજે યોજાયેલી આ સ્પર્ધા શરૂ થાય તે પહેલા જ અમદાવાદથી આવેલ એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું, જેનાથી સ્પર્ધકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતકનું 80 વર્ષના હોવાનું અને તેમનું નામ ઈલિયાસભાઈ સતમકર હોવાનું જાણવા મળ્યું છે.
દર વર્ષે આ પ્રકારની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેમાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો ઉત્સાહથી ભાગ લે છે, અને ખાસ કરીને 40 થી 45 થી વધુ ઉંમરના લોકોનું ફિઝિકલી ફીટ સર્ટિફિકેટ પણ જ્યારે તેઓ રજીસ્ટ્રેશન કરાવે છે ત્યારે માંગવામાં આવે છે, અને અમદાવાદના ઇલયાજ મોસેસ સતમકર નામના 80 વર્ષના વૃદ્ધનું પણ ફિઝિકલી ફિટનું સર્ટીફીકેટ આવેલું હતું અને જેથી તેમને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધા શરૂ થાય તે પહેલા તેઓ સ્વિમિંગ કરવા ઈચ્છતા હતા અને પોરબંદરની ચોપાટી ખાતે સ્વિમિંગ કરતી વેળાએ આ દુઃખદ ઘટના બની હતી અને સમુદ્રમા તરતા હતા તે સમયે હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. - હર્ષિતભાઈ રૂકાણી, સભ્ય, શ્રીરામ સ્વિમિંગ ક્લબ, પોરબંદર
આ બનાવ અંગે જાણકારી મળતા જ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને તાત્કાલિક તેઓને હોસ્પિટલમાં પણ ખસેડાયા હતા, પરંતુ તબીબો એ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. ઈલિયાસ ભાઈ તેમના મિત્રો સાથે પોરબંદરમાં યોજાયેલી સમુદ્ર તરણ સ્પર્ધામાં આવ્યા હતા પરંતુ આ પ્રકારે તેમનુ મોત થતા મિત્ર વર્તુળમાં પણ ગમગીની છવાઈ હતી.