અમરેલી : હાલમાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરી રહ્યા છે. આધુનિક ખેતી સાથે પંચસ્તરિય બાગાયતી ખેતી કરી અને ATM તરીકે દર મહિને કમાણી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામના ખેડૂતે એક કિલોગ્રામનું એક સીતાફળનું ઉત્પાદન મેળવ્યું છે.
અમરેલીના પ્રગતિશીલ ખેડૂત : ભરતભાઈ ચોવટીયા ઉંમર વર્ષ 45 અને અભ્યાસ પાંચ ધોરણ સુધી કર્યો છે. પોતે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં પંચસ્તરિય બાગાયતી ખેતી કરી અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. પોતાની પાસે દસ વીઘા જમીન છે. આ 10 વીઘા પૈકી 3 વીઘામાં બાગાયતી વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય સાત વિઘામાં મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
સીતાફળની પ્રાકૃતિક ખેતી : ભરતભાઈ જણાવ્યું કે, ત્રણ વીઘામાં બાગાયતી પાકોમાં સૌથી વધારે 150 છોડ સીતાફળનું વાવેતર કરેલું છે. બે વર્ષ બાદ પ્રથમવાર સીતાફળનું ઉત્પાદન ચાલુ થયું છે. આ 150 છોડમાંથી એક છોડ દીઠ 15 થી 20 કિલોનું ઉત્પાદન મળી રહે છે.
એક કિલોગ્રામનું એક સીતાફળ : આ સીતાફળની મુખ્ય વાત એ છે કે એક કિલોગ્રામનું એક સીતાફળનું ઉત્પાદન મળે છે. એટલે કે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સૌથી સારા અને વધારે વજન વાળા સીતાફળ પોતાની પાસે છે. એક કિલોગ્રામનું એક સીતાફળ અને જેનો ભાવ રૂ. 100 1 kg નો છે, એટલે ખેડૂતો પોતે રુ. 100 માં એક સીતાફળનું વેચાણ કરે છે.
દર વર્ષે લાખોની કમાણી : ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે, બે વર્ષ બાદ આ ત્રીજા વર્ષે સીતાફળમાં ઉત્પાદન મળી રહે છે. હાલ સીતાફળનું ઉત્પાદન ચાલુ થયું છે, એક છોડમાં 20 કિલોનું ઉત્પાદન મળશે અને એક છોડમાંથી આશરે 2000 થી 2100 રૂપિયાનું ઉત્પાદન મળી રહેશે. પોતાની પાસે 150 છોડ છે એટલે કે અંદાજિત 3 લાખ રૂપિયાનું ઉત્પાદન સીતાફળમાંથી મળશે.
પંચસ્તરિય બાગાયતી ખેતી : સીતાફળની સાથે પંચસ્તરિય બાગાયતી પાકમાં જામફળનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. તો જામફળમાંથી પણ 20,000 રૂપિયા સુધીનું ઉત્પાદન પ્રથમ વર્ષે મળશે. હાલ આ સીતાફળ જોઈને લોકો ખરીદી કરી રહ્યા છે. 1 કિલોગ્રામનું એક સીતાફળ હોવાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.