અમરેલી : આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાતની 11 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે પૈકી અમરેલી લોકસભા બેઠક પર યુવા મહિલા નેતા જેની ઠુંમરને પસંદ કર્યા છે. ઉમેદવાર જાહેર થયા બાદ જૈની ઠુંમરે અમરેલી લોકસભા મત વિસ્તારના મતદારોને ઉદેશીને ભાવુક પત્ર લખ્યો છે. જેમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખીને તેમને મદદ કરવાની લાગણી સભર વાત કરવામાં આવી છે.
અમરેલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર : કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં વધુ 11 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમરેલી લોકસભા બેઠક પર યુવા મહિલા નેતા જેની ઠુંમરને મેદાને ઉતાર્યા છે. જેની ઠુંમર રાજકીય વારસો ધરાવે છે. તેઓ પૂર્વ સાંસદ વિરજી ઠુંમરના પુત્રી છે અને વર્તમાન સમયમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત છે. ઉમેદવાર પસંદ થયા બાદ જેની ઠુમ્મરે પ્રથમ વખત સમગ્ર અમરેલી લોકસભા મત વિસ્તારના મતદારોને સંબોધીને એક લાગણી સભર પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલી સાથેના લગાવ અને જોડાણને મતદારો સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
જનતા જોગ લાગણીસભર પત્ર : જેની ઠુંમરની સત્તાવાર રીતે અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ તેમણે પોતાના વતન અને જન્મભૂમિ અમરેલીના મતદારો માટે લાગણીસભર પત્ર લખ્યો છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે મારી જન્મભૂમિ અમરેલી એ અત્યાર સુધી મેં ન માગ્યું હોય તેવું પણ આપ્યું છે. અભ્યાસની સાથે અમરેલીમાં મોટા થવાની સાથે રાજકીય કારકિર્દી પણ અમરેલી જિલ્લામાંથી શરુ કરી છે. 32 વર્ષની ઉંમરે જિલ્લા પંચાયત પ્રમુખ અને 39 વર્ષની ઉંમરે લોકસભાની ટિકિટ મળવામાં અમરેલીનું યોગદાન તેમની રાજકીય કારકિર્દી સાથે જોડાયું છે.
જેની ઠુંમરની જનતાને અપીલ : જેની ઠુંમરે વધુમાં લખ્યું કે, અમરેલી નું ઋણ સદા રહેશે. હવે લોકસભાની ચૂંટણીમાં મને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર બનાવી છે. ત્યારે મત વિસ્તારના લોકો આ ચૂંટણી દરમિયાન કાપડુ, કરિયાવર કે મામેરુ સમજીને મતદાનમાં સહયોગ આપશે તેવી અમરેલીની એક દીકરી તરીકે લોકસભાના મતદારોને ભાવુક વિનંતી કરી છે.
ઠુંમર પરિવારનો અનોખો રેકોર્ડ : અમરેલીનો ઠુંમર પરિવાર વર્તમાન સમયમાં કદાચ રાજ્યનો એકમાત્ર એવો પરિવાર હશે કે તેના તમામ સદસ્યોને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે. વર્ષ 2002 માં વિરજી ઠુંમર અમરેલીના સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2009 માં કોંગ્રેસ પાર્ટીએ તેમના ધર્મપત્ની નીલાબેન ઠુંમરને લોકસભાની ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેઓ ભાજપના નારણ કાછડિયા સામે પરાજિત થયા હતા. ત્યારબાદ ફરી એક વખત વર્ષ 20024 માં કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર અમરેલીના ઠુંમર પરિવારમાંથી જેની ઠુંમરને લોકસભાના ઉમેદવાર બનાવીને ઠુંમર પરિવારની કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની વફાદારીને નવાજી છે.