અમરેલી : તાજેતરમાં અમરેલી ડુપ્લીકેટ પત્રિકા કાંડ રાજ્યભરમાં ચર્ચામાં રહ્યો, જોકે તેથી પણ વધુ ચર્ચા આ કેસમાં આરોપી બનાવેલ યુવતીના મામલે થઈ હતી. આ કેસમાં પીડિતા પાટીદાર યુવતી પાયલ ગોટી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે યુવતીએ પ્રેસ સંબોધન કરી હતી. જોકે, હવે આ મામલે તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે.
પાટીદાર યુવતી દ્વારા પોલીસ પર આક્ષેપ : અમરેલી ડુપ્લીકેટ પત્રિકા કેસમાં આરોપી બનાવેલ પીડિતા પાટીદાર યુવતી દ્વારા પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. યુવતીએ પ્રેસ સંબોધી પોલીસ દ્વારા તેમને રાત્રીના સમયે પોલીસ મથકે લઈ જઈ અને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
આક્ષેપ મામલે તપાસ કરવા SIT ની રચના : પાયલ ગોટી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ મામલે તપાસ કરવા માટે અમરેલી SP સંજય ખરાતે SIT ની રચના કરી છે. આ ટીમમાં DySP એ. જી. ગોહિલ, મહિલા PI આઇ. જે. ગીડા અને મહિલા PSI એચ. જે. બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાટીદાર યુવતીના મીડિયામાં આવેલા આક્ષેપો બાદ પોલીસે એસઆઈટીની રચના કરી છે.
અમરેલી ડુપ્લીકેટ પત્રિકા કાંડ : કૌશિક વેકરીયાના ડૂપ્લિકેટ લેટર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ કથિત રીતે પોલીસ દ્વારા રાત્રીના સમયે પાયલ ગોટીની ઘરથી અટકાયત કરવામાં આવી હતી. બાદમાં દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, જે મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. આ મામલે અનેક આગેવાનો અને રાજકીય પક્ષોના નેતાઓના નિવેદન સામે આવ્યા છે. બાદમાં પાયલ ગોટીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.