સુરત: એક સમય પરણવા માટે જતા વરરાજાની જાન બળદ ગાડામાં નીકળતી હતી. વર્ષો જૂની આ પરંપરા રાજકીય મુરતિયાઓએ ચૂંટણી ટાણે ફરી જીવંત કરી છે. ઓલપાડ તાલુકાના અરિયાના ગામ ખાતે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે બળદગાડામાં બેસીને અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મંત્રી મુકેશ પટેલે હાથમાં રાશ પકડીને બળદ ગાડું હંકાર્યું હતુ અને બળદ ગાડામાં સવાર થઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો. હવે આ નેતાઓનું ગાડુ કઈ દિશામાં જાય છે એ ચુંટણી પરિણામ જ નક્કી કરશે.
ગામડાઓમાં ભાજપ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે: ઉલ્લેખનિય છે કે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા છેલ્લા 8 દિવસથી ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલ વિકાસના કામોની માહિતી આપી ભાજપને મત આપવા અપીલ કરાઇ રહી છે. આ પ્રચાર કાર્યક્રમમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ માવાણી સહિતના ભાજપ નેતાઓ,આગેવાનો અને કાર્યકરો જોડાઈ રહ્યા છે.
બળદ ગાડામાં બેસી ચૂંટણી પ્રચાર: મંત્રી મુકેશ પટેલએ જણાવ્યું હતું કે, છેલ્લા 7-8 દિવસથી ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજરોજ તેમણે બળદ ગાડામાં બેસી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે તે માટે બળદ ગાડામાં બેસી પ્રચાર કરાયો હતો. તેમણે કહ્યું કે, ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવો અમને વિશ્વાસ છે.