સુરત: આજે અક્ષય તૃતીયા છે. શુભ મુહૂર્તમા આજે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે. જેથી લોકો ધાર્મિક ભાવનાની સાથે સોના ચાંદીની ખરીદી કરે છે અને આજ કારણ છે કે, આજનો દિવસ સોના અને ચાંદીના ખરીદ-વેચાણનો મોટો વેપારનો દિવસ તરીકે પણ ઓળખાય છે. જો કે, છેલ્લા ઘણા સમયથી સોનાને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે લોકો સોના અને ચાંદીની ખરીદી કરે છે. આ માટે વેપારીઓ દ્વારા મેકિંગ ચાર્જીસમાં મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત પણ કરી રહ્યા છે. આ વચ્ચે ભાવ વધારાના કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 30 ટકા સોના-ચાંદીની ખરીદીમાં અસર પણ જોવા મળી છે.
સોનાના ભાવમાં 25% વધારો: જ્વેલર્સ દિપક ચોકસીએ જણાવ્યું હતું કે, વૈશાખ શુક્લ તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરની લક્ષ્મીમાં અભિવૃદ્ધિ થાય છે. આવી માન્યતાને કારણે પણ લોકો સોનાની ખરીદી કરે છે. જોકે આ વર્ષે લગ્નસરા માટે મુહૂર્ત ઓછું છે. તેના કારણે ખરીદી પર સ્પષ્ટપણે અસર જોવા મળી રહી છે. આ સાથે ભાવ વધારાના કારણે પણ વધારે અસર જોવા મળે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાના ભાવમાં 25% વધારો જોવા મળ્યો છે. જ્યારે ખરીદીની વાત કરવામાં આવે તો આ વખતે ખરીદી પર 30% વધારો ઓછો જોવા મળી રહ્યો છે. લોકો ખરીદી કરવા આવી રહ્યા છે પરંતુ હળવા વજનની જ્વેલરી ખરીદી રહ્યા છે.
મેકિંગ ચાર્જીસમાં ડિસ્કાઉન્ટ: આજના દિવસે જ્વેલર્સ મજૂરીમાં 30 થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ ગોલ્ડ જ્વેલરી પર અને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ ડાયમંડ જ્વેલરીમાં આપવામાં આવ્યું છે. ત્યારે લોકો શગુનની ખરીદી સાથે રોકાણની દ્રષ્ટિએ પણ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે. આજના શુભ દિવસે 80 થી 150 કરોડનો વેપાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખરીદી: સોનાની ખરીદી કરનાર ગ્રાહક પરિધિએ જણાવ્યું કે,હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનાના ઘરેણાં અને સોનાની ખરીદી કરવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે,આનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. અક્ષય તૃતીયાને સર્વસિદ્ધિ મૂહૂર્ત ગણાવ્યું છે. જે રીતે દીવાળીના દિવસે લક્ષ્મીની કૃપા મળે છે. તે જ રીતે અક્ષય તૃતીયાને દિવસે પણ લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરાય છે. જે શુભ ફળદાયી ગણાય છે. સોનાના ભાવમાં ભલે વધારો હોય પરંતુ અમે સોનાની ખરીદી કરવા આવ્યા છે પરંતુ ખરીદી માટે હળવા વજનની જ્વેલરી પસંદ કરી રહ્યા છે. આજે જે પણ ખરીદી કરીશું. તે ઇન્વેસ્ટમેન્ટ તરીકે અમે જોઈ રહ્યા છે.
મુહૂર્તના પ્રમાણે ખરીદી: સોનાની ખરીદી કરનાર ગ્રાહક દેવાંશીએ જણાવ્યું હતું કે, માન્યતા છે કે, તેનાથી વર્ષભર આર્થિક સ્થિતિ સારી રહે છે. અને આજ કારણ છે કે, સોનાના ભાવમાં વધારો હોવા છતાં લોકો મુહૂર્તના પ્રમાણે જ્વેલર્સ શોપમાં ખરીદી કરવા પહોંચી ગયા હતા. વર્ષભર જે બચત લોકોએ કરી છે તેને આજના દિવસે સોનાની ખરીદી સાથે નિવેશ કરી રહ્યા છે.