અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગને લઈને હવે પોલીસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ શરૂ કર્યો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને હવે સીધા AI આધારિત મૂવિંગ ડેશ કેમ કેમેરાથી જ મેમો આપવામાં આવશે. શહેરમાં 4 ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી વર્ષથી શહેરમાં દોડતી રીક્ષાઓમાં મીટર ફરજિયાત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
કેવી રીતે AI ડેશકેમથી વાહન ચાલકને મળશે મેમો?
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 32 વ્હીકલમાં તેમજ 28 પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ ફાળવવામાં આવ્યા છે. આ તમામ ડેશ કેમ AI બેઝ્ડ કામ કરે છે. જ્યારે AI ડેશ કેમથી સજ્જ વાહન ચાલશે ત્યારે તેમાં લાઈવ રેકોર્ડિંગ ચાલતું હશે. દરમિયાન રોડ પર હેલ્મેટ વિના જતા, જોખમી રીતે વાહન ચલાવતા કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ચાલકોને કેપ્ચર કરીને તેનો ફોટો પોલીસ કન્ટ્રોલ રૂમને મોકલશે. જ્યાંથી ટ્રાફિક ઉલ્લંઘનની ખરાઈ કર્યા બાદ વાહન ચાલકને મેમો આપવામાં આવશે.
એક દિવસમાં 67 વાહન ચાલકોને મેમો મળ્યા
અમદાવાદ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા DCP બળદેવસિંહ વાઘેલાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા જ દિવસે AI આધારિત મૂવિંગ ડેશ કેમ દ્વારા 67 જેટલા મેમો જનરેટ કરવામાં આવ્યા હતા.
રીક્ષાઓમાં મીટર ફરજિયાત થશે
આ સાથે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ મલિકે આગામી 1લી જાન્યુઆરીથી તમામ રીક્ષાઓમાં મીટર ફરજિયાત થશે એમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણી બધી ફરિયાદો મળતી હતી કે ઓટોવાળા પેસેન્જરો પાસેથી વધારે પૈસા લે છે. કોઈ સિસ્ટમ નથી. 1લી જાન્યુઆરીથી રીક્ષામાં મીટર નહીં હોય તો પોલીસ તેને દંડ કરશે. બીજા દંડ પછી તેની પરમીટ કેન્સલ થશે અને પછી ડિટેઈન કરવામાં આવશે.
આ પણ વાંચો: