અમદાવાદ : આજે ગુરુવારથી અમદાવાદમાં ત્રિદિવસીય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાની શરૂઆત કરવામાં આવી છે. આ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત અગ્રણી સાધુ-સંતો તથા રાષ્ટ્રીય સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો : આ મેળામાં વિશિષ્ટ સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક થીમ્સનો સંગમ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ મેળાની તૈયારી કરવામાં આવી રહી હતી. અંતે આ ત્રિ દિવસીય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારંભમાં સુરેશભાઈ જોષી(અખિલ ભારતીય કારોબારી સભ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અમિત શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી) ભુપેન્દ્રભાઈ પટેલ( મુખ્યમંત્રી ગુજરાત સરકાર) સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કળશ યાત્રા અને યુવા બાઈક રેલી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેનની હાજરીમાં 2,000 મહિલાઓ દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી હતી. આ મેળામાં યુથ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000 યુવાનો બાઈક રેલીમાં ભાગ લીધો હતો.
ધર્મ અને અધ્યાત્મનો સુમેળ : ઉલ્લેખનીય છે કે, આ મેળામાં મહર્ષિ વશિષ્ઠ યજ્ઞશાળા સેવા પ્રદર્શન થીમ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મહિષાસુર મર્દિની, આચાર્ય વંદના, કન્યા વંદના, માતા-પુત્રીના પુનર્મિલન સાથે નાટક પ્રદર્શન, માતા-પિતા વંદના અને સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કુંભમેળો અને ગંગા આરતીનું પ્રદર્શન : આ મેળામાં ISRO અને NCC સહિત 250 થી વધુ સખાવતી સંસ્થાઓએ ભાગ લીધો છે. આ મેળામાં 11 કુંડી સંપ યજ્ઞશાળા, 11 થી વધુ મુખ્ય મંદિરોના લાઈવ દર્શન, 15 થી વધુ મુખ્ય મંદિરોની પ્રતિકૃતિઓ, કુંભમેળાના દર્શન, ગંગા આરતી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન કરતું બનવાસી ગામ વગેરે મુખ્ય આકર્ષણ છે.
દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન : આ મેળામાં દરરોજ રાત્રે 8 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં અર્ચના ત્રિવેદી, શ્રી સાંઈરામ દવે, બંકિમ પાઠક અને અસિત વોરા સહિતના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.