અમદાવાદ: દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આકાશમાંથી આગઝરતી ગરમી વરસી રહી છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લોકો પણ ગરમીથી ત્રસ્ત જોવા મળી રહ્યા છે. માત્ર દિવસે જ નહિ પરંતુ રાત્રિનું તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

યુવી ઈન્ડેક્સ 10: સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા વધતા સન બર્ન અને સન સ્ટ્રોકના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં યુવી ઈન્ડેક્સ 10 નોંધાયુ છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સ્તર નિશ્ચિત સ્તર કરતા વધવાથી ડ્રિહાઈડ્રેશન, સનબર્ન, સન સ્ટ્રોક અને ચામડીને લગતા રોગો અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થવાની સંભાવના છે. ગરમી વધતી હીટવેવને કારણે લૂ લાગવાના અને ઝાડા- ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4 હજાર 131 કોલ મળ્યા છે. સૌથી વધુ 8 મેના 108ને 286 કોલ મળ્યા હતા.

જમીનમાં પાણી ઊંડે ઉતરી ગયું: આ મામલે પર્યાવરણ એક્ટિવિસ્ટ નમ્રતા ભાવસારે જણાવ્યું હતું કે વધતી જતી વસ્તી અને કઈ દિશામાં વિકાસ થઈ રહ્યો છે એ મહત્વનું છે. ડામરના રોડ એ પાણી શોષી શકતા નથી. જમીનમાંથી પાણી ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણી ઊંડે જઈ રહ્યું છે એ પણ ગરમીનું કારણ છે. ખેતીમાં રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ કરવો એ પણ ગરમીનું કારણ છે. શહેરીકરણ અને ઉદ્યોગોના વિકાસ માટે જે હદે વૃક્ષો કાપવામાં આવે છે એ તુલનામાં એટલા વૃક્ષોનો વાવવામાં આવી રહ્યા નથી. વૃક્ષો એ વાતાવરણ અને જમીનમાંથી ગરમી શોષી લે છે તેથી વૃક્ષો ઓછાં છે એ પણ ગરમીનું કારણ છે. વૃક્ષોને કાપીને અલગ-અલગ વિસ્તારોમાં રોડ રસ્તા બની રહ્યા છે.
વિકાસની પરિભાષાનું મહત્વઃ પહેલાંના સમયમાં અને હાલ હજી પણ ગામડામાં માટીના ઘરો હોય છે જે ગરમી સામે એક આવરણ તરીકે કામ કરે છે. જ્યારે શહેરોમાં સિમેન્ટ અને કાચવાળી બિલ્ડીંગ બની રહી છે. સિમેન્ટ અને કાચનો જે ગુણધર્મ છે તે મુજબ સુર્યના કિરણો તે ખેંચી લે છે અને ત્યારબાદ ગરમીનું ઉત્સર્જન થાય છે. રોડ પર સતત પથરાઈ રહેલાં ડામરને કારણે પણ જમીન ગરમીને શોષી નથી રહી. વિદેશોમાં એક વસ્તુ સારી એ છે કે વૃક્ષો માટે ખાસ જગ્યા આપવામાં આવી હોય છે. એટલે વિકાસની પરિભાષા શું છે એ મહત્વનું રાખે છે.

દર વર્ષે હિટ વેવથી કેટલા મોત થઈ રહ્યા છે ? શું કહે છે સર્વે?: PTI ના અહેવાલ અનુસાર અભ્યાસ મુજબ પાછલા 30 વર્ષોમાં હિટ વેવના કારણે થયેલા મૃત્યુના પાંચમા ભાગથી વધુ મોત ભારતમાં થયા છે. જેમાં ભારત બાદ ચીન અને રશિયા આવે છે. દર ઉનાળામાં થતા કુલ 1.53 લાખ મોતમાંથી 50% એશિયામાંથી અને 30% થી વધુ યુરોપમાંથી આવ્યા હતા.
ભારત 5મા ક્રમેઃ 1990 થી શરૂ કરીને 30 વર્ષોના આંકડા જોવામાં આવે તો સંશોધન અનુસાર દુનિયાભરમાં દર વર્ષે 1.53 લાખથી વધારે મૃત્યુ હિટવેવને સંબંધિત હોય છે જેનો પાંચમો સૌથી મોટો હિસ્સો ભારતનો છે. PLoS મેડિસીનમાં પબ્લીશ થયેલા રિસર્ચ અનુસાર હિટ વેવથી થયેલ મોતમાં સૌથી વધારે મોત એ શુષ્ક આબોહવા અને નિમ્ન અને ઓછી આવક ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળી. આ ડેટા જેમાં 43 દેશોના 750 સ્થળો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસ અનુસાર 1999 થી શરૂ કરીને 2019 સુધીના વર્ષોની સરખામણી કરીએ તો ગરમીની લહેરો સમગ્ર વિશ્વમાં સરેરાશ દશકા પ્રમાણે 13.4 થી 13.7 સુધી વધી છે એટલે કે હર દાયકામાં સરેરાશ તાપમાન 0.35 ડિગ્રી વધેલું જોવા મળ્યું.
હિટ વેવ એટલે શું ?: National disaster management authorities ના અનુસાર જ્યારે માર્ચ અને જૂન વચ્ચે જ્યારે તાપમાન સામાન્ય મહત્તમ કરતા વધી જાય છે તેને હિટ વેવ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓ માટે જુલાઈ સુધી પણ જોવા મળે છે. જ્યારે હવામાનનું મહત્તમ તાપમાન મેદાની પ્રદેશોમાં 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37° અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તો તેને હીટ વેવની કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે. જો તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસથી લઈને 6.4 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે હોય તેને હીટ વેવ કહેવામાં આવે છે અને 6.4 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો તેને ગંભીર પ્રકારનું હિટ વેવ ગણવામાં આવે છે. જે સામાન્ય રીતે મે મહિનામાં જોવા મળતું હોય છે.

તાપમાન વધવામાં અલનીનોની કેટલી અસર?: તાપમાન વધવાનું એક અન્ય કારણ અલનીનો પણ છે. અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે. અલ નીનો અને લા નીનાની આ ઘટના પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ સર્જાય છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે વિશ્વના હવામાન પર તેની અસર જોવા મળે છે.
ગરમીમાં કઈ કઈ સાવચેતી રાખવી?:
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
- લાંબો સમય તડકામાં ન રહેવું.
- હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં.
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
- નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.
લૂનાં લક્ષણો:
- ગરમીની અળાઈઓ
- ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
- માથાનો દુખાવો, ચક્કર આવવા
- ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી
- સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી
- ઉબકા અને ઉલટી થવી.