અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેર તથા દાહોદ જિલ્લામા ઘરફોડ ચોરીના 5 ગુન્હામાં વોન્ટેડ અને અગાઉ 10000 રુપિયાનો ઇનામી રહી ચુકેલ ચીકલીગર ગેંગના રીઢા ગુનેગારને પકડી પાડી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ઘરફોડ ચોરીના બે ગુના ઉકેલી લેવાયાં હતાં.
સેવન ડે સ્કુલ બ્રિજ નજીકથી ઝડપાયો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરદ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઈ. જે.આર.બલાત, પો.સ.ઈ. બી.આર ભાટી તથા હે.કો.મહિપાલ સુરેશભાઈ તથા પો.કો.યુવરાજસિંહ મહેન્દ્રસિંહ દ્વારા ઘરફોડ ચોરી કરતાં આરોપી લાખનસિંગ કરતારસિંગ બાવરી (ચિકલીગર) ઉ.વ.૨૮ રહે, મહેદાવાદ રેલ્વે સ્ટેશન પાસે શીખ વાડો, તા.મહેમદાવાદ જિ.ખેડાને અમદાવાદ શહેર સેવન ડે સ્કુલ બ્રિજ નજીકથી ઝડપી લીધો હતો.
ઘરફોડ ચોરીના ગુનામાં જામીન મુક્ત : આરોપી લાખનસિંગ કરતારસિંગ બાવરીની તપાસ કરતાં એપ્રિલ-2023 થી સુરત જેલથી ઘરફોડ ચોરીના ગુનામાં જામીન મુક્ત થયો છે, જે જેલમાંથી છૂટીને આવીને પણ પોતાના મળતીયા માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના કરેલા હોવાની કબુલાત આપી છે. જેથી આરોપીની ઝીણવટભરી તપાસ કરી નીચે મુજબના ગુના શોધી કાઢવામાં આવેલ છે.
ધોળકામાં બે ચોરીના કેસ : ધોળકા પોલીસ સ્ટેશન પાર્ટ એ ઈ.પી.કો. કલમ 454, 457, 380 મુજબ જે ગુનામાં 1,78,000 ની ઘરફોડ ચોરીનો ગુનો, ધોળકા પોલીસ સ્ટેશન પાર્ટ એ માં બીજો ગુનો ઈ.પી.કો. કલમ454, 457, 380 મુજબ જે ગુનામાં 1,56,500 ની ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢવામાં આવેલ છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી : રીઢો ગુનેગાર આરોપી લાખનસિંગ કરતારસિંગ બાવરી (ચિકલીગર) તે તેના મળતીયાઓ સાથે દિવસ દરમ્યાન રેકી કરી લેતો હતો. બાદમાં બંધ મકાનને ટાર્ગેટ કરી મોડી રાત્રી સમય દરમ્યાન તેની પાસે રહેલ ખાતરીયુ, મોટુ ડીસમીસ, સળીયો વગેરે સાધનથી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવે છે.
ચોરી મેરા કામ : જેલથી છૂટીને ઘરફોડ ચોરી કરી નાસતો ફરતો છે તે ગુનાઓમાં દાહોદ લીંમડી પોલીસ સ્ટેશન,વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના, અને ડભોઈ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ : આરોપી લાખનસિંગ કરતારસિંગ બાવરી (ચિકલીગર) 2020-21 થી તેની ચીકલીગર જાતિના માણસો રાખી આણંદ, નડીયાદ, ખંભોળજ, કઠલાલ, બારડોલી નવસારી, સુરત, કરજણ, સાવલી વગેરે વિસ્તારમાં મળી 34ગુના કરેલ છે. જે ગુનામાં તેની ધરપકડ થયેલ છે તેમજ એકાદ વર્ષ સુધી સુરત લાજપોર જેલ ખાતે કાચા કેદી તરીકે રહી એપ્રિલ 2023થી જામીન મુકત થયેલ છે. તેમજ જેલમાંથી છૂટ્યા બાદ પણ ઘરફોડ ચોરીના ઉપર દર્શાવ્યા મુજબના ગુના કરેલ છે. જે ગુનામાં તેનું નામ વોન્ટેડ આરોપી તરીકે ખુલ્યું છે. તેમજ હાલ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ છે. જેથી આરોપીને કાયદેસર કાર્યવાહી માટે ધોળકા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેની ઉપર મુજબના પોલીસ સ્ટેશનોમાં પણ કાયદાકીય કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.