અમદાવાદ: નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે અને ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે. ત્યારે ઋતુની અંદર પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ક્યાંક વરસાદી માહોલ છવાયો છે, તો ક્યાંય આકરો તાપ પડી રહ્યા છે. વળી ક્યાંક રાત્રે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે. આમ બદલાતી ઋતુ વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના ઓક્ટોબરના 15 દિવસમાં જ સિવિલ હોસ્પિટલમાં ગત મહિને નોંધાયેલા કેસથી અડધા કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે તેમ છતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું કહેવું છે કે, કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.
સિવિલમાં આવતા રોગોની સંખ્યા ઘટી
આ અંગે ETV BHARAT સાથે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, પાછલા મહિના કરતાં આ મહિને તમામ રોગોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં ઋતુમાં પરિવર્તન થશે ત્યારે રોગચાળો વધવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
કયા રોગના કેટલા કેસ?
વધુમાં ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ માસમાં ડેન્ગ્યુના 183, ઝેરી અને સાદો મલેરિયા બંને મળીને 28, ચિકનગુનિયાના 36 અને સાદો તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના 244 કેસ નોંધાયેલ છે.
શિયાળામાં વધી શકે રોગોની સંખ્યા
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિના દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 276, ઝેરી અને સાદો મલેરિયા બંને મળીને 82, ચિકનગુનિયાના 38 અને સાદો તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના 505 કેસ નોંધાયા હતા. જે પ્રમાણે આ મહિનામાં રોગચાળામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં શિયાળાની સીઝન શરૂ થશે ત્યારે ફરી રોગચાળામાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: