અમદાવાદ: અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ જયંતિ વકીલની ચાલી બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એક મૂર્તિ આવેલી છે. આજ રોજ વહેલી સવારે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કરવાની ઘટના બની હતી. જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આ બાબત આવી અને ઘટનાની જેમ જાણ થઈ તેમ લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા.
સ્થાનિકોનો આરોપીને પકડવાની માંગ સાથે વિરોધ
જયંતિ વકીલની ચાલીમાં રહેતા સ્થાનિક અનામિકાબેન મકવાણાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, ગઈ રાત્રે ચાલીની બહાર રહેલી બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને અસામાજીક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે, આ કૃત્ય કરનાર અસામાજિક તત્વોને પોલીસ દ્વારા જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું. વધુમાં અનામિકા બેને જણાવ્યું હતું કે, આપણે હમણાં જ જોયું કે પોલીસને હથિયાર બતાવનાર અસામાજિક તત્વોને પોલીસ ચાર કલાકમાં પકડી તેનું જૂનું નીકળે છે. તો બાબાસાહેબ આંબેડકર તો દેશના બંધારણના ઘડવૈયા છે તો તેમની મૂર્તિ ખંડિત કરનાર સામાજિક તત્વોનું પણ જૂનું નીકળવું જ જોઈએ.
પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
આ સમગ્ર મામલે અમદાવાદ શહેર I ડિવિઝનના ACP કૃણાલ દેસાઈ દ્વારા ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે ગત રાત્રે અજાણ્યા લોકો દ્વારા બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ અને ખંડિત કરવામાં આવી છે ત્યારે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસની અલગ અલગ ટીમો બનાવી તે અસામાજિક તત્વોને પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વધુમાં કૃણાલ દેસાઈ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હાલ અજાણ્યા લોકો વિરુદ્ધ સમાજની સામાજિક અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીઓને પકડ્યા બાદ તેમનો ક્રિમિનલ બેગ્રાઉન્ડ અને હિસ્ટ્રી જાણી વધુ કલમોનો ઉલ્લેખ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: