સુરત: રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે માસુમ લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી ઘટના માટે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, વીજ કંપનીના અધિકારીઓ અને DGVCLના અધિકારીઓએ તાત્કાલિક બેઠક કરી તમામ શહેરના ગેમ ઝોન અંગેની માહિતી મેળવી હતી. આ ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે અંગે આજ રોજ તમામ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર અક્ષર પંડ્યા એ જણાવ્યું હતું કે, આજે સુરત શહેરના અલગ અલગ ગેમ ઝોનની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હાલ સુરતમાં રજિસ્ટ્રેટ 16 જેટલા ગેમ ઝોન છે. એ તમામ ગેમ ઝોનની તપાસ કરાશે. જે ગેમ્સ પાસે એનઓસી નહીં હોય તે ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે સુરત શહેરના સંયુક્ત પોલીસ કમિશનર એન કે ડામોરે જણાવ્યું હતું કે, રાજકોટમાં બનેલી ઘટના બાદ આજે અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. આનંદ મેળા ગેમ ઝોન વોટરપાર્ક સહિત જે મોટા મોલ છે. ત્યાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જો પૂરતી વ્યવસ્થા નહીં હોય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. પરમિટ આપવામાં આવી છે કે નહીં અને કેટલી કેપીસીટી છે તે અંગે તપાસ કરવામાં આવશે. સાથે સાથે ફાયર સેફટીના કેટલા સાધનો ઉપલબ્ધ છે તે અંગેની પણ તપાસ કરાશે.