નવસારી: જિલ્લાના બીલીમોરા શહેરમાં ભારે વરસાદને કારણે જળપ્રલયની સ્થિતિ નિર્માણ થઈ હતી. કાવેરી અને અંબિકા નદીએ વિનાશ વેરતા 40% વિસ્તાર પાણીમાં ગરક થયો હતો અને 18 કલાકથી વધુ સમય શહેર જાણે થંભી ગયું હતું. પૂર ઉતાર્યા બાદ આરોગ્ય અને સફાઈની ચિંતા નગરપાલિકાને સતાવી રહી છે. જેને લઇને તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.
લોકોની ઘરવખરીને થયું નુકસાન: બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવતા નીંચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી તો ઓસરી ગયા છે. પરંતુ હાલ તેઓની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. પૂરના પાણીના કારણે તેઓના ઘરવખરી સહિત ઘરના તમામ સામાનને નુકસાન થયું છે. તેઓના ઘરમાં સંગ્રહ કરેલું અનાજ પણ ભિંજાઈ જવાના કારણે તેને ફેંકવાનો વારો આવ્યો છે. હાલ સ્થિતિ તેઓની ફરી શૂન્યમાંથી સર્જન નોબત આવી છે. જેને લઈને તેઓ તંત્ર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી આસ લગાવીને બેઠા છે.
બીલીમોરા શહેરમાં પાણી ભરાયા: નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને અંબિકા નદીએ બીલીમોરા શહેરને વધતી જળ સપાટીના કારણે જાણે ઘેરી લીધું હોય તેમ બંને બાજુથી પાણીમાં તરબોળ કરી દીધા હતા. 28 ફૂટ ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી 32 ફૂટ પર પહોંચી ગઈ હતી. જેને લઈને બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. કાવેરી નદી 18 ફૂટ સપાટી ધરાવે છે એ પણ સપાટી વટાવી જતા દેસરા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
પાણી ઉતર્યા બાદ તંત્રની અગ્નિપરિક્ષા: કાવેરી અને અંબિકાના પૂરના કારણે લગભગ 50,000 થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા હતા. 2000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. પાણી ઉતરી ગયા બાદ હવે વહીવટી તંત્રની અગ્નિપરીક્ષા શરૂ થઈ છે. શેરીઓને મહોલ્લાઓમાં ગંદકીનો સામ્રાજ્ય હટાવવા અને રોગચાળો ન ફેલાયને ધ્યાનમાં રાખીને બીલીમોરા નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે.
વહીવટી તંત્ર કામે લાગ્યું: બીલીમોરા શહેરમાં પૂરના કારણે અંબિકા અને કાવેરી કાંઠાના ગામોમાં એક સપ્તાહ સુધી મેડિકલ ટીમોએ અભિયાન શરૂ કર્યું છે. જેમાં ક્લોરીનેશનથી માંડીને વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની તપાસ કરવા માટે આરોગ્ય રથ ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બહાર જેટલી ટીમો 50થી વધુ આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે. સફાઈ માટે 40 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાં 200 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે.
અસરગ્રસ્તોને વિવિધ સ્થળોએ રખાયા: બીલીમોરા શહેરમાં 18 કલાક જેટલો સમય પુર રહ્યું હતું. જેમાં અસરગ્રસ્તોને વિવિધ સ્થળે રાખવામાં આવ્યા હતા. કાવેરી અને અંબિકાના પૂરના કારણે વાઘરેચ, ભાઠા, કલમઠા, કલવાછ, દેવસર, નાંદરખા અને કાવેરી તથા અંબિકા નદીકાંઠાના 20થી વધુ ગામોને અસર થઈ હતી. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજી પાકોને મોટા પાયે નુકસાન થયું છે જેના માટે ટીમો બનાવીને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.