સુરત: જો આપ બજારમાંથી છૂટું ઘી ખરીદતા હોવ તો ચેતી જવાની જરૂર છે, કારણ કે સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે એક વ્યક્તિની ભેળસેળયુક્ત ઘી સાથે ધરપકડ કરી છે. શહેરના રાંદેર વિસ્તાર ખાતે આવેલા ગોગા ચોક સાઈનાથ સોસાયટીમાં વેચાઈ રહ્યો છે તેની માહિતી મળતા જ રાંદેર પોલીસે ત્યાં દોરડો પાડ્યો હતો. આ મામલે પોલીસે 43 વર્ષીય રાજેશ પટેલની ધરપકડ કરી કુલ 32,600 રૂપિયાની કિંમતનું ભેળસેળ યુક્ત ઘી બનાવવા માટેની સામગ્રી જપ્ત કરી છે.
આરોગ્ય વિભાગના દરોડા: આરોપી પાસેથી 15 કિલો બે ડબ્બા જેમિની વનસ્પતિ, 15 કિલોના સીલ બંધ પાંચ ડબ્બા રિફાઇન્ડ સોયાબીન તેલ, 15 કિલો રાગ વનસ્પતિ મળી આવેલ છે. આ ઉપરાંત પોલીસે પતરાના સીલ બંધ ડબ્બાઓ પણ જપ્ત કર્યા છે. હવે આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે.
225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો: આરોગ્ય વિભાગના અધિકારી જગદીશ સાલુકે જણાવ્યું હતું કે, ઘટના સ્થળ પરથી જે શંકાસ્પદ ઘી મળી આવેલ છે, તેને લેબમાં મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આશરે 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત 32,600 છે. આરોપી પાસેથી વનસ્પતિ સોયાબીન તેલ મળી આવતા શંકા છે કે આના આધારે જ તે ભેળસેળયુક્ત ઘી બનાવતો હતો, 15 દિવસ બાદ રિપોર્ટ આવતાની સાથે જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.