ભાવનગર: ચોમાસાની સીઝનના પ્રારંભમાં કેસર કેરી વિદાય લઇ લે છે અને અન્ય કેરીઓ ચોમાસાના સિઝનમાં બજારમાં જોવા મળે છે. ત્યારે ભાવનગર શહેરમાં વર્ષોથી કેસર કેરી બાદ લંગડો કેરી ઉપર ભાવનગર વાસીઓ પોતાની પસંદ ઉતારે છે. લંગડો કેરી બજારમાં ચોમાસાના પ્રારંભે આવે છે.
કેસર બાદ લંગડો કેરીની બોલબાલા અને માંગ: કેરીના શોખીન લોકો ઉનાળામાં કેસર કેરીનો સ્વાદ લીધા બાદ ચોમાસાના પ્રારંભથી લંગડો કેરીનો સ્વાદ લેવાની શરૂઆત કરે છે, ત્યારે ફ્રુટના વેપારી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કેસર કેરી પ્રથમ વરસાદ પડતા જ ધીરે ધીરે બંધ થઈ જાય છે અને લંગડો કેરી આવવાની બજારમાં શરૂઆત થાય છે. ભાવનગરવાસીઓની પહેલેથી પ્રથમ પસંદ રહી છે. દેખાવમાં લીલી હોય છે. પરંતુ કાચી હોવા છતાં પણ તેને જો આરોગવામાં આવે તો સ્વાદમાં મીઠી લાગે છે. માંગ ભાવનગર વાસીઓની વધુ છે ત્યારે 90 રૂપિયાથી લઈને 120 સુધી કિલો લંગડો કેરી વેચાય છે, જે ઉત્તર પ્રદેશથી આવે છે.
કેસર બાદ લંગડો કેમ પસંદગીમાં: કેસર કેરી ચોમાસાના પ્રથમ વરસાદ બાદ બંધ થઈ જાય છે. કારણ કે તેમાં જીવાત પડવા લાગે છે, ત્યારે ભાવનગરના નાગરિક મકબુલભાઈએ જણાવ્યું હતું કે હું કેસર કેરી ખાવાનો ખૂબ શોખીન છું. કેસર કેરી ચોમાસુ આવતા જ જીવાત પડવાને કારણે ખાવાનું અમે બંધ કરીએ છીએ અને લંગડો કેરી ખાવાનું પસંદ કરીએ છીએ. લંગડો કેરી મીઠી આવે છે અને તે તાંતણાવાળી હોય છે. આમ છતાં પણ તેની મીઠાશને કારણે કેસર પછી અમે ચોમાસામાં પણ લંગડો કેરી ખાવાનું ચૂકતા નથી.
લંગડો સાથે અન્ય કેરીની પણ આવક છતાં લંગડો અગ્રીમ: ભાવનગર શહેરમાં કેસર કેરી બાદ ઠેક ઠેકાણે લારીઓમાં લંગડો કેરી જોવા મળે છે. લંગડો કેરી ભાવનગર વાસીઓ માટે વર્ષોથી મહત્વતા ધરાવતી હોવાથી તેની માંગ રહેતી હોય છે. જો કે બજારમાં સુંદરી, ચોરસા અને દશેરી કેરી પણ આવે છે. પરંતુ જો ચોમાસાના મધ્યભાગ સુધી કેરી આરોગવી હોય તો ભાવનગરવાસીઓની પસંદ પહેલા લંગડો કેરી ઉપર ઉતરે છે.