સુરત: 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરીને ભાગી ગયેલા ઈસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે.મીરા ભાઈંદર આચોલે પોસ્ટે વિસ્તારમાં 7 વર્ષીય બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યો ઇસમ બાળકીને જબરદસ્તી અગાસી ઉપર લઇ ગયો હતો અને બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. દરમ્યાન બાળકીએ બુમાબુમ કરતા તે ઇસમ ત્યાંથી ભાગી ગયો હતો.
સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરીને ભાગી ગયેલો ઇસમ સુરતમાંથી ઝડપાયો
આ બનાવમાં બાળકીને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઇ હોય તેણીને સારવાર અર્થે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ સમગ્ર મામલે આચોળે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં સંડોવાયેલો આરોપી સુરતમાં હોવાની માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને પકડવા માટે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ભાઈદર ક્રાઈમ બ્રાંચ યુનીટ-02 વસઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે નવાગામ ડીંડોલી બ્રીજના નીચેથી આરોપી 23 વર્ષિય બગાવત શંકર મારવાડીને પકડી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબજો મીરા ભાઈદર ક્રાઈમ બ્રાંચ યુનીટ-02 વસઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.