છોટાઉદેપુર : આયુર્વેદિક દવાથી ઉપચાર કરાવવું છોટાઉદેપુરના એક વ્યક્તિને ભારે પડ્યું છે. અહીં ઉપચારના બહારને આરોપીએ ફરિયાદના નગ્ન ફોટા પાડ્યા, બાદમાં બ્લેકમેઈલ કરી 8 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા. જોકે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
જડીબુટ્ટીથી ઉપચાર કરતો આરોપી : ફરિયાદી છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં રહે છે અને ગામની ચોકડી પર ફરવા જતા. અહીં ચોકડી પર તંબું નાખી જડીબુટ્ટી દવા વેચનાર રાજુસિંહ પાસેથી પગમાં દુખાવો થતો હોવાથી માલીશ કરવાની દવા લીધી હતી. આ માલીશ કરવાની દવાથી કોઈ ફરક નહીં પડતા બીજા દિવસે 1,200 રૂપિયાની જડીબુટ્ટી પાવડરની પડીકી લીધી હતી. વધુમાં જો આ પાવડરથી પણ ફરક ન પડે તો મોબાઈલ નંબર પર જાણ કરવાનું જણાવ્યું હતું.
ઉપચારના બહાને નગ્ન ફોટા પાડ્યા : ત્યારબાદ ચાર દિવસ પછી વીંગર ગાડીમાં જડીબુટ્ટી ભરીને આવ્યા હતા. જેમાં ડાયાબિટીસથી પગમાં દુખાવો અને તેના હિસાબે સેક્સની બીમારી હોવાનું જણાવ્યું હતું. આથી ચેક કરવું પડશે તેમ જણાવી ઓરડીમાં કપડા ઉતારી નગ્ન ફોટા પાડી લીધા હતા. બાદમાં ગોધરાથી ત્રિમૂર્તિ આયુર્વેદિક ભંડારમાંથી 1.65 લાખની દવા લાવી અને બે દિવસ બાદ રાજુસિંહને ફોન કરી દવા સમજી લેવાનું જણાવ્યું હતું.
બ્લેકમેઇલિંગની શરૂઆત : ફરિયાદીના ફોન પર 13 એપ્રિલના રોજ રાજુસિંહનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તેમના આશ્રમની ફાઈલ તૈયાર થઈ ગઈ છે. આશ્રમની સેવા માટે રૂપિયા 8,32,000 તમારે ભરવાના થાય છે. જો પૈસા નહીં ભરો તો અમારા આશ્રમના લોકો તમારા ઘરે આવી તબલા, ઢોલ, નગારા સાથે ગામમાં વરઘોડો કાઢશું. આવી રીતે નાણાં પડાવવા વારંવાર મેસેજ કરતા હતા.
8 લાખથી વધુ પડાવ્યા : સોશિયલ મીડિયા માં વાયરલ કરવાની ધમકી આપતા હતા, અને તેમના નગ્ન ફોટા અને પત્રિકા વોટ્સએપથી મોકલી આપ્યા હતા. જેથી 14 એપ્રિલના રોજ રુ. 12000 ગૂગલ પેથી મોકલી આપ્યા હતા. 15 એપ્રિલના રોજ પીન્ટુસિંહ કિશનસિંહ ચિતોડીયાના ખાતામાં 8 લાખ જમા કરાવવાનું જણાવ્યું હતું. ફરી 7 મેના રોજ રાજુસિંહે ફોન કરીને જણાવ્યું કે, 8.32 લાખના છ મહિનાના વ્યાજ સાથે 8.82 લાખ રૂપિયા ભરવા પડશે. આખરે ફરિયાદીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આરોપી ઝડપાયો : છોટાઉદેપુર LCB પોલીસે આરોપી રાજુસિંહ ચિતોડીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સાયબર ક્રાઇમ સેલના PI વરરાજ કામલીયાએ જણાવ્યું કે, ફરિયાદીના નગ્ન ફોટા પાડી 8.35 લાખ રૂપિયા પડાવનાર પરપ્રાંતીય આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.