જામનગર: લાલપુર તાલુકાના જાખર ગામે એક ગંભીર ઘટના સામે આવી છે. જાખર ગામમાં નવી સોસાયટી વિસ્તારમાં રાત્રે એક મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે દોડધામ મચી ગઇ હતી.
શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો: લાલપુર તાલુકાના જાખર ગામે નવી સોસાયટીમાં રાત્રીના સમયે એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી ઘટનાની જાણ થતા મેઘપર પડાણા પોલીસ P I પી.ટી જયસ્વાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે આવ્યા હતા. આ બનાવની તપાસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
દિયર પર ભાભીની હત્યાનો આરોપ: પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા થઇ હોવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. ત્યારબાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા મહિલા પર તેના દિયરે પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ સામે આવ્યો છે અને આ અંગે પોલીસે ગુનો દાખલ કરતા આરોપીની ધરપકડ કરવા માટે વધુની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સામે પોલીસ ફરિયાદ: મૂળ કચ્છ જિલ્લાના માંડવીના રાજણાટેકરી ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના જાખર ગામ સોસાયટી વિસ્તારમાં રહેતા ડ્રાઇવીંગનું કામ કરતા 36 વર્ષીય બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા એ ગત મોડી રાત્રે મેઘપર પડાણા પોલીસમાં હાલ જાખર ગામમાં રહેતા તેના નાના ભાઇ વિજયસિંહ પ્રેમસંગજી સોઢાની વિરુઘ્ધ BNS કલમ 103 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
દિયર પર હત્યાનો આરોપ : મૃતકના પતિએ જણાવ્યા મુજબ, તેના નાના ભાઇને તેની ભાભી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ ફરિયાદીએ તેની મૃત પત્નીને સમજાવતા તે માની ગઇ હતી અને ફરિયાદીના નાના ભાઇથી દૂર રહેતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દરમિયાન મૃતક મહિલા આરોપી વિજયસિંહનું કહ્યું માનતી નહોતી. જેથી આરોપી વિજયસિંહે આ વાતનો ખાર રાખીને તેની 30 વર્ષીય ભાભી રીનાબા પર પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસે આરોપીને ઝડપવા નાકાબંધી કરી: આ બનાવની જાણ થતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ભાળ મેળવવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશન અને જિલ્લામાં જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીના અન્ય આશ્રયસ્થાનો સહિત વિવિધ વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી. આ હત્યાના બનાવની જાણ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: