ગાંધીનગર: ચોમાસાની શરૂઆત થઇ ગયી છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી.
ભારે વરસાદની આગાહી અંગે ચર્ચા: આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "4 જુલાઈ 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે."
ચેતવણીના ભાગ રૂપે 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ: આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ.ની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે તેમજ એસ.ડી.આર.એફ.ની તમામ પ્લાટૂન જરૂરીયાત જાણાતા જે તે સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ટીમ જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર રાહત તેમજ બચાવની કામગીરી કરી રહ્યા છે."
29% જેટલું વાવેતર થઈ ગયું છે: આ અંગે કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "હાલમાં રાજયમાં 29% જેટલું વાવેતર થઈ ગયું છે તેમજ વરસાદના કારણે રાજયમાં પાકમાં કોઈ પણ નુકસાનીની ભીતિ નથી." રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી હતી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું હતું.
નોડલ અઘિકારીઓએ હાજરી આપી: આ મીટીંગમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, ઈસરો, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગ તથા ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીઓએ હાજરી આપી હતી.