ગીર સોમનાથ: જિલ્લા કલેકટરને મળેલી પૂર્વ બાતમીને આધારે ઉના નજીક શંકાસ્પદ અનાજના જથ્થાને પકડી પાડવા માટે રેડ કરવામાં આવી હતી. ત્યારે અહીંથી શંકાસ્પદ અનાજની સાથે 1353 જેટલી પર વિદેશી દારૂની બોટલ પણ મળી આવતા જિલ્લા વહીવટી તંત્ર ચોકી ગયું છે. શંકાસ્પદ અનાજ અને દારૂની બોટલને કબજે કરીને સમગ્ર મામલામાં ઉના પોલીસે તપાસ હાથ ધરી છે.
શંકાસ્પદ અનાજને પકડવા રેડ કરી ત્યારે મળી દારૂની બોટલો: ગીર સોમનાથ જિલ્લા કલેકટરને પાછલા ઘણા સમયથી જિલ્લામાં શંકાસ્પદ અનાજની હેરાફેરી થવાની શક્યતાઓને લઈને ફરિયાદો મળી રહી હતી. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજા સમગ્ર મામલામાં ઉના પ્રાંત અધિકારી સોમનાથ પુરવઠા અધિકારી અને ઉના મામલતદારની સંયુક્ત ટીમ બનાવીને ઉના દેલવાડા રોડ પર શાકમાર્કેટ નજીક એક ગોડાઉનમાં રેડ કરવામાં આવતા અહીંથી શંકાસ્પદ અનાજની સાથે 1353 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. અધિકારીઓ અનાજની સાથે દારૂની બોટલ મળી આવતા ચોંકી ગયા હતા. હાલ સમગ્ર મામલામાં 4.50 લાખની આસપાસનો મુદ્દામાલ કબજે કરીને સમગ્ર મામલામાં ઉના પોલીસને તપાસ સોંપવામાં આવી છે.
અનાજની આડમાં દારૂની હેરાફેરી: જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા ઉનાના દેલવાડા રોડ પર શંકાસ્પદ ગોડાઉનમાં રેડ કરતા અહીંથી ઘઉં, ચોખા અને બાજરીના 60 KGના 194 જેટલા શંકાસ્પદ કટ્ટા મળી આવ્યા છે. સાથે સાથે બાલ શક્તિના 17 પેકેટ પણ મળી આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા શંકાસ્પદ અનાજ પકડવા માટે રેડ કરી હતી પરંતુ અહીં અનાજની સાથે વિદેશી દારૂની 1353 બોટલો પણ મળી આવતા અનાજની આડમાં દારૂની હેરાફેરીની શક્યતાઓને પણ નકારી શકાતી નથી.
ગોડાઉનમાં અનાજ કોની માલિકીનું છે: હાલ આ ગોડાઉનના માલિક અમરેલીના ખાંભા તાલુકાના યોગેશગીરી ગૌસ્વામી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે સમગ્ર મામલામાં સોમનાથ કલેક્ટર દ્વારા ઉના પોલીસને તપાસ સોંપીને અનાજની સાથે પકડવામાં આવેલ દારૂની સાથે અનાજ કોને માલિકીનું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવનાર હતો. પકડાયેલું અનાજ સરકારી છે કે અન્ય રીતે ત્યાં એકઠું કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.