વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસીનું આપખુદશાહીનું વલણ હવે કોઇનાથી છુપુ રહ્યું નથી. તેઓ મનસ્વી રીતે નિર્ણયો લેવા માટે જાણીતા બન્યા છે. તાજેતરમાં યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેના એડમિશનના ક્વોટા ઘટાડવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ આ અંગે સામે આવીને કોઇ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપરાંત એઓસડી મારફતે ક્વોટા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ બાદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા પોસ્ટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, આ બાદ પણ વીસી એકના બે ન થયા અને તેમના આ એક પક્ષી વલણ પ્રમાણે જ વહીવટ ચાલુ રખાયો હતો.
વ્ચક્તિ ભુલથી દેખાય તો સંપર્ક સાંધવો: સ્થાનિક વિદ્યાર્થીઓના ક્વોટા અંગેની પ્રબળ ચર્ચાએ વેગ પકડતા, વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા અનેક વખત યુનિવર્સિટી હેડ ઓફિસ જઇને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સામે કોઇ જવાબદાર સત્તાધીશ આવ્યું ન હતું. ત્યારે આજે યુનિવર્સિટીની બહાર સહિત અન્ય સ્થળોએ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, વાઇસ ચાન્સેલર MSU ગુમ થયા છે. તેમાં વીસી વિજય શ્રીવાસ્તવનો ફોટો લગાડવામાં આવ્યો છે. તેમાં નીચે લખવામાં આવ્યું કે, ઉપરોક્ત ફોટોમાં દર્શાવેલી વ્ચક્તિ ભુલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો.
અનોખી રીતે વિરોધ પ્રદર્શિત: એમ.એસ. યુનિવર્સિટીમાં પોસ્ટર અભિયાન શરૂ થતા રાજકારણ ગરમાયું હતું . હવે આ મામલે આગળ પણ અવનવી રીતે વિરોધ કરવા માટે એબીવીપીએ કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.