અમદાવાદ: નવરંગપુરા વિસ્તારની સમારા આર્ટ ગેલેરી ખાતે 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિઆનાના પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું છે. કોરાનાકાળમાં પ્રથમ વિઆનાએ પોતાની 4 વર્ષની ઉમંરમાં ઘરની ભીંતો પર કલર કરવાની શરુઆત કરી. પોતાના બાળકોમાં ચિત્રકળાના વિશિષ્ઠ ગુણો છે એ વાતે ધ્યાને આવતા તેમના માતા-પિતાએ પુત્રી વિઆનાને પહેલા ઘરની ભીંતો પર ચિત્ર કરવાની છૂટ આપી. પણ વિઆનાના ચિત્રોમાં રંગોની ગૂંથણી, આકાર અને અર્થ કોઈ પણ સિનિયર કલાકારના હોય એમ પ્રતિત થતા ત્યાર બાદ વિઆનાને કેન્વાસ પર ચિત્રો દોરવા માટે પ્રોત્સાહિત કરી. હાલ આઠ વર્ષીય વિઆનાના પેઇન્ટિંગમાં મર્મ છે, અર્થ છે, સંદેશ છે અને રંગોની ખૂબી છે.
ચિત્રકળાની સંગાથે ઉછરી રહી છે વિઆના અને વામિકા: 4 વર્ષની વિઆનાનો તેના પેઇન્ટિંગ પર હાથ બેસતો જતો હતો એ સાથે તેની બહેન વામિકાનો જન્મ થયો. વામિકાને પણ કળા અને પેઇન્ટિગ્સના ગુણો મોટી બહેનથી પ્રાપ્ત થયા. બંને બહેનોએ નાનપણથી જ રમકડાના બદલે ભાત-ભાતની પિંછીઓ હાથમાં પકડી અને સર્જાતા ગયા બંને નાની બાળકીઓ દ્વારા રંગોના અદભુત સંયોજનથી માસ્ટર પીસ.
બાળકોની કળામાં છે અર્થ અને સંદેશ - સોનલ અંબાણી, આર્ટીસ્ટ: "અ બ્લોસમિંગ પેલેટ" એ એક્ઝિબિશન કરતાં ઘણું વધારે છે. વિઆના અને વામિકા બંને બહેનોના માસ્ટરપીસ જોઈને લોકો મંત્રમુગ્ધ બને છે. સમારા આર્ટ ગેલેરી લાંબા સમયથી ઉભરતી પ્રતિભાની સમર્થક રહી છે તેમના પેઇન્ટિંગનું આ પ્રદર્શનએ સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે એમ દેશના જાણીતા આર્ટીસ્ટ સોનલ અંબાણીનું માનવું છે.
વિઆના અને વામિકાના પેઇન્ટિંગ્સ એ મોટા કલાકારોના સર્જનો સમકક્ષ છે: વિઆના અને વામિકાના પેઇન્ટિંગ એ ખાલી રંગોના થપેડા નથી પણ પરફેક્ટ પેઇન્ટિંગ છે. જેમાં ભારતીય રંગોનો સમન્વય, ભારતીય પ્રતિકો અને સંગીતના સૂર વિવિધ રંગોના સંમિશ્રણ થકી રજૂ થયા છે. વામિકા ફક્ત 3 વર્ષ અને વિઆના ફક્ત 8 વર્ષના હોશિયાર કલાકાર છે, જે બે બહેનોની વાઈબ્રન્ટ ક્રિએટિવિટી દર્શાવે છે. જેમની વય ખૂબ જ ઓછી હોવા છતાં, નોંધપાત્ર કૌશલ્ય અને કલાત્મક અભિવ્યક્તિ દર્શાવે છે.
કલા બાળપણની નિર્દોષતા અને અજાયબીની ઉજવણી કરે છે: માતા, રવિના શાહના માર્ગદર્શન હેઠળ, બંને આર્ટિસ્ટ એ કોઇપણ પ્રકારની પદ્ધતિસરની તાલીમ વિના પોતાને પેઇન્ટિંગની દુનિયામાં ઢાળ્યા છે. બંને બહેનોના પેઇન્ટિંગ ટ્રેડિશનલ ચિત્રણથી ઘણી આગળ છે, જે દર્શકોને તેમની લાગણીઓ, સપનાઓ અને અમર્યાદિત કલ્પનાઓની અનફીલ્ટર્ડ ઝલક આપે છે. વિવિધ રંગો અને તરંગી સ્વરૂપો દ્વારા, તેમની કલા બાળપણની નિર્દોષતા અને અજાયબીની ઉજવણી કરે છે, જે આપણને સર્જનાત્મકતા પ્રદાન કરી શકે તેવી અનંત શક્યતાઓની યાદ અપાવે છે.
આ પણ વાંચો: