ખેડા: જીલ્લાના ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે યુવકના લગ્ન પ્રસંગે ખુની ખેલ ખેલાયો હતો.ડાન્સ કરવા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા ઘાતક હથિયારો વડે હુમલો કરાયો હતો.જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો મોરઆમલી ગામે પહોંચ્યો હતો.સમગ્ર મામલે ડાકોર પોલિસ દ્વારા નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા હુમલો: મોરઆમલી ગામે રહેતા પ્રવિણભાઈ નામના વ્યક્તિના દિકરાનું લગ્ન હોવાથી ગામમાં વરઘોડો નીકળ્યો હતો.જેમાં ડાન્સ કરવા બાબતે બોલાચાલી થવા પામી હતી.જે ઉગ્ર બનતા લગ્નમાં આવેલા સાવલી તાલુકાના નારા ગામના સુરવિરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર તેમજ તેની સાથેના લોકોએ પોતાની કારમાં લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેને લઈ ગામમાં દોડધામ મચી જવા ગઈ હતી.
ઘાતક હુમલો: અચાનક ઘાતક હુમલો થતા વરઘોડો જોવા આવેલા ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે ગુલાબસિંહ સોલંકી, નરવતસિંહ સોલંકી,મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકીને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ કરતા ડાકોર પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. મરણ પામનાર વ્યક્તિના મૃતદેહને ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ડાકોર પોલિસ દ્વારા ગુનો નોંધાયો: ઘટનાને પગલે નડીયાદ DYSPસહિતનો પોલિસ કાફલો મોરઆમલી ગામે પહોંચ્યો હતો.ઘટના સ્થળની મુલાકાત લઈ બંદોબસ્ત ગોઠવાયો હતો.સમગ્ર મામલે ડાકોર પોલિસ દ્વારા સાવલી તાલુકાના નારા ગામના સુરવિરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર,અંકુરભાઈ પરમાર,અલ્પેશભાઈ પરમાર,ચેતનસિંહ પરમાર તેમજ નામ ઠામ જણાઈ આવેલ નથી તેવા અન્ય પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
'મારા પિતા વરઘોડો જોવા ગયા હતા' : મૃતક ગોવિંદસિંહ સોલંકીના પુત્ર રાહુલ સોલંકીએ ઘટના બાબતે જણાવ્યુ હતું કે, 'મારા પિતા વરઘોડો ચાલુ હતો ત્યારે જોવા ગયા હતા, ત્યારે પ્રવિણભાઈ અને તેમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં જમાઈ જીગાભાઈએ મારા પપ્પાને ચપ્પુના ઘા માર્યા હતા'.