ગાંધીનગર: રાજ્યના અનેક વિસ્તારોમાં કેટલીક વાર દીપડા દેખાય છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે દીપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરી હતી. જેથી વન વિભાગની 3 ટીમએ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
દીપડાને પકડવા માટે 3 ટીમોનું સર્ચ ઓપરેશન: ગાંધીનગરના પીપળજ ગામમાં દીપડો દેખાયાની બૂમરાણ ઉઠી હતી. જેથી વન તંત્રની અલગ અલગ 3 ટીમોએ અત્રેના ગ્રામ્ય વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી હતું. જોકે, દીપડાના કોઈ સગડ મળ્યા નહીં. પાટનગર ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો હોવાની બૂમરાણ ઉઠી છે. ગાંધીનગરના પીપળજ ગામમાં ગઈકાલ ઢળતી રાતે કોઈ રાહદારી બાઈક ચાલકે દીપડો જોયાની વાતથી વન તંત્ર દોડતું થઇ ગયું છે.
દીપડાની વાતથી ગ્રામજનોમાં ભય: પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ સાડા 7- 8 વાગે વાગ્યાની આસપાસ બાઈક લઈને જતા એક વ્યક્તિને દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેનાં પગલે બાઈક ચાલકે ગામમાં અન્ય લોકોને જઈને ગામમાં દીપડો ફરતો હોવાની જાણ કરી હતી. ગામમાં દીપડો આવ્યો હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ગ્રામજનો પણ ફફડી ઉઠયા હતા.
પશુ પાલકોમાં દીપડાનો ડર: દીપડાના ફોટો અને તેના પગના નિશાનના ફોટા ગામના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા છે. આ ફોટાના આધારે દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પીપળજ ગામની બાજુમાં આવેલા વનવિસ્તારમાં ગામના પશુપાલકો પોતાના પશુ ચરાવવા માટે જાય છે. આ પશુપાલકોમાં દીપડાના હુમલાનો ડર છે. તેઓ જંગલ વિસ્તારમાં પોતાના પશુ ચરાવવા માટે લઈ જતા ડરી રહ્યા છે.
વન વિભાગે પાંજરા મૂકી તપાસ કરી: પેથાપુર પાસે આવેલા પીંપળજ ગ્રામ્ય વિસ્તારમાં ભૂતકાળમાં પણ દીપડાએ અનેકવાર પશુઓ ઉપર હુમલા કર્યા હોવાના બનાવ નોંધાયા છે. દીપડાએ બકરા અને વાછરડાનું મારણ દીપડાએ કર્યું હતું. ત્યારે પણ વનવિભાગે પાંજરા મુકીને તપાસ પણ કરી હતી. પરંતુ ત્યારે પણ વનવિભાગને હાથે કાંઇ લાગ્યું ન હતું. બાદમાં આલુવા ગામમાં નદીની કોતરોમાં દીપડો દેખાયો હતો. ત્યારે ફરી દીપડાએ પીપળજમાં પગલાં પાડયા છે. પગલાં અને આ વિસ્તારમાંથી બકરાનો શિકાર મળી આવ્યા બાદ વનવિભાગ ચોંકી ઉઠયું છે અને ફરી દીપડાએ અહીં દસ્તક દીધી હોવાથી ખાસ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.
આ પણ વાંચો: