સુરત: સુરતના ગ્રામ્ય અને છેવાડાના જિલ્લામાં દીપડાઓની દહેશત વધી રહી છે, ત્યારે એક દીપડાએ મહિલાનું મારણ કર્યુ હોવાની ઘટના સામે આવે છે. માંગરોળ તાલુકાના દેગડીયા ગામના મંદિર ફળિયામાં રહેતા 40 વર્ષીય ગીતાબેન રવીયાભાઈ વસાવા નામના મહિલા ગુરુવારે રાત્રે રાત્રિના 10 વાગ્યે ઘરના વાડામાં શૌચક્રિયા કરવા માટે ગયા હતા, અને ત્યારબાદ તેઓ પરત ઘરે આવ્યા ન હતા.
સવારે ઘરના સભ્યોએ ગીતાબેનની શોધખોળ કરી હતી અને તેઓ ગુમ થયા અંગેની જાણ ફળિયાના લોકોને કરવામાં આવતા ફળિયાના રહીશો તેમજ અન્ય લોકોએ તપાસ કરતા ગીતાબેનનની લોહી વાળી ઓઢણી મળી આવી હતી અને લોહીના ડાઘા મળી આવ્યા હતા.
આ ઉપરાંત લોકોને દીપડાના પગના પંજાના નિશાન જોવા મળતા દીપડો મહિલાને લઈ ગયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, વધુ શોધખોળ કરતા 300 મીટર દૂર આવેલા ખેડૂત અતુલભાઇ પટેલના ખેતર માંથી ગીતાબેનની લાશ મળી આવી હતી. ઘટના અંગેની જાણ વાંકલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ માંગરોળ પોલીસ પણ સાથે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, દીપડાના હુમલામાં મોતને ભેટેલા 40 વર્ષીય મૃતક મહિલા માંગરોળ તાલુકાના દેગડીયા ગામના મંદિર ફળિયામાં રહેતા હતાં. તેમનું નામ ગીતાબેન રવીયાભાઈ વસાવા હતું અને તેમની એક પુત્રી છે જેનું નામ અશ્વિનાબેન વસાવા છે. બંને માતા-પુત્રી તેમની એક બહેન જીનલ વસાવા સાથે રહેતા.