અમદાવાદ: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી અમદાવાદ ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
ક્ષત્રિય સંમેલનનો હેતુ શું છે: આઝાદી સમયે દેશની એકતા અને અખંડિતતા માટે 562 જેટલા રાજાઓએ પોતાના રજવાડાઓ આપી દીધા હતા. ભારત દેશમાં લોકશાહી સ્થાપવા ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હોવા છતાં આજે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય સહિતનાં ક્ષેત્રોમાં તેમની નોંધનીય ભાગીદારી દેખાવા મળતી નથી. આ માટે હવે ક્ષત્રિય સમાજના તમામ વર્ગોને એક સાથે રાખીને એક કરવાના ઉદ્દેશથી આજે આ મંચ ઊભું થવા જઈ રહ્યું છે.
ગત ચૂંટણી વખતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન: ગત લોકસભા ચૂંટણી વખતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસથી નારાજ થઈને તેમની સામે આંદોલનના મંડાણ કર્યા હતા અને તેમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવે તે પ્રકારની માંગ મૂકવામાં આવી હતી. ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીને બોયકોટ પણ કરવામાં આવ્યું હતું.
રાજવી પરિવારોએ આપી હાજરી: વાંકાનેર સ્ટેટ, જામનગર સ્ટેટ (જામસાહેબ), લીંબડી સ્ટેટ, મોરબી સ્ટેટ, કચ્છ સ્ટેટ, સાણંદ સ્ટેટ, પંચમહાલ સ્ટેટ, સાબરકાંઠા સ્ટેટ, દાંતા સ્ટેટ, શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર સહિતના રાજવીઓએ હાજરી આપી હતી.
શું બોલ્યા ભાવનગરના રાજવી: ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભાવનગર મહારાજ વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારા ભાવનગર નરેશ દાદા સાથે મારી સરખામણી યોગ્ય નથી. તેમના ગુણોમાંથી 1 ગુણોનું કામ કરી શકું તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. સાથે તેમને જણાવ્યું હતું કે, આ મંચ કોઈ રાજકારણનું મંચ નથી. સમાજને સારું શિક્ષણ, સારો વ્યવસાય, જોબ અને સમાજનુ નામ ઊંચું કરે તે માટેનું છે.
ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાજકીય કે સામાજીક?: આમ તો ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવેલા સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એ સમાજ આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે આગળ આવે અને મંચ થકી સમાજ ભેગી કેવી રીતે રહી શકે તે માટે આ મંચ બનાવવામાં આવ્યો છે. પરંતુ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ કાર્યક્રમમાં પોતાની હાજરી આપી હતી ત્યારે તેમની હાજરી સામાજિક આગેવાન તરીકે હતી કે પછી કોઈ રાજકીય વ્યક્તિ તરીકે ? તે એક પ્રશ્ન છે કેમકે મીડિયાને બાઈટ કે ઇન્ટરવ્યૂ આપવા બાબતે પણ શંકરસિંહ વાઘેલાએ ના પાડી દીધી હતી.
કાર્યક્રમના અંતે બબાલ: પરશોત્તમ રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજે જ્યારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન કર્યું હતું અને પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ આખી લડત ચલાવી હતી. ત્યારે ચર્ચાના કેન્દ્રમાં રહેલા પદ્મિનીબા વાળા ફરી આજે ચર્ચાનો વિષય બન્યા છે. કેમ કે સ્ટેજ પર તેમને સ્થાન ન આપવા બાબતે તેઓ બરોબરના બગડ્યા હતા. તેઓ કહેતા હતા કે, દર વખતે આવું કરવામાં આવે છે મને અપમાનિત કરવામાં આવે છે. આવું હું નહીં ચલાવી લઉં.
આ પણ વાંચો: