સુરતઃ કોસંબા નજીક તરસાડી ખાતે બિલ્ડીંગનાં ત્રીજા માળેથી ગેલેરીનો સ્લેબ ધસી પડતા નીચેથી પસાર થઇ રહેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી 14 વર્ષીય વિદ્યાર્થીનું માથાનાં ભાગે ગેલેરીનો ભાગ પડતા જેનું ઘટના સ્થળે મોત થતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં અન્ય બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
શું બની ઘટના? પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં તરસાડી ખાતે ઝંડાચોકમાં આવેલા મોતાલા બિલ્ડીંગ નામનું રહેણાંક એપાર્ટમેન્ટ ઝંડાચોકનાં મુખ્ય રસ્તા પર આવેલું છે. ત્યારે આજે મોડી બપોરે ચાર માળની બિલ્ડીંગના ત્રીજા માળની જર્જરિત ગેલેરી અચાનક ધડાકાભેર મુખ્ય રસ્તા પર તુટી પડી હતી. જોગાનું જોગ નજીક આવેલી શાળા છૂટી હોય જેના વિદ્યાર્થી બાળકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. જે પૈકી ત્રણ બાળકો ઉપર મહાકાય પોપડો પડતા જે પૈકીના 14 વર્ષીય ધો.૮ના વિદ્યાર્થી દર્શીલ અનંતભાઈ મિસ્ત્રી (રહે તરસાડી)ના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
બેદરકારી કોની? ઉલ્લેખનીય છે કે હજુ તો સુરતમાં તક્ષશીલા કાંડની વાતો લોકોના મોંઢે આજે પણ ચર્ચામાં રહે છે. લોકો આ ઘટનામાં થયેલા બાળકોના ન્યાય અને તેમાં થયેલી બેદરકારીને લઈને આજે પણ પ્રશ્નો કરી રહ્યા છે. તેવા સંજોગોમાં વધુ એક ઘટનાએ લોકોને દુઃખી કરી દીધા છે. અહીં લોકોના મોંઢે એક જ પ્રશ્ન હતો કે હજુ કેટલા બાળકોના મોત સુરતના માથે લખાયા હશે. જર્જરિત ઈમારતને લઈને પણ લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા કે બિલ્ડીંગ જર્જરિત હતી તો તેને ઉતારી લેવા માટે કેમ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ મામલામાં જ્યાં હવે એક નાનકડો જીવ ગયો છે તો તેના જવાબદાર કોણ? સહિતના પ્રશ્નો પાછળ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ડીવાયએસપી સરવૈયાએ સ્થિતિની કરી સમિક્ષાઃ કોસંબામાં આકસ્મિક બનેલી ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો બનાવનાં સ્થળે દોડી આવ્યા હતા. જોકે ઉપરોક્ત દુર્ઘટનામાં મૃતક દર્શીલના અન્ય વિદ્યાર્થી મિત્રો માનવ પ્રજાપતિ, નેનસી સિતારામ સિંગને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ગંભીર ઘટનાની જાણ થતા સુરત જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપી આર.આર.સરવૈયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સદ નસીબે સમગ્ર ઘટનાક્રમમાં બચાવ થયેલા બંને ઈજાગ્રસ્ત બાળકોની ખબરઅંતર પુછી સ્થિતિની સમિક્ષા કરી હતી.
ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કર્યુંઃ માંગરોળ ધારાસભ્ય ગણપત વસાવાએ ઉપરોક્ત દુર્ઘટનામાં મોતને ભેટેલા 14 વર્ષીય વિદ્યાર્થી દર્શીલનાં અકાળે મોતથી સંવેદના વ્યક્ત કરી હતી. હાલ કોસંબા પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી એફએસએલની ટીમ બોલાવી જરૂરી કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હતી.