અમરેલી: કોલકત્તામાં મહિલા તબીબ પર જાતીય દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હવે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે અમરેલીમાં રાત્રિના સમયે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અમરેલી જિલ્લાના પ્રમુખ અને પૂર્વ સિવિલ અધિક્ષક ડોક્ટર જી કે ગજેરા એ જાહેરમાં તેમના પરવાના વાળું હથિયાર બતાવીને ડોક્ટરોએ હવે ફરજિયાત હથિયાર રાખીને તેમની સુરક્ષા કરવી પડશે. તેવું જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે. ડોક્ટર ગજેરાના આ નિવેદનથી હવે વિવાદના વમળો પણ સર્જાઈ રહ્યા છે. તબીબોના હાથમાં ટેથોસ્થકોપની જગ્યા પર હવે બંદૂક દેખાઈ રહી છે. જેને કારણે અમરેલી પોલીસે ડોક્ટર ગજેરા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
હથિયાર રાખવાની વકાલાત કરતા ડો ગજેરા: અમરેલી સિવિલ હોસ્પિટલના પૂર્વ અધિક્ષક અને હાલ અમરેલીમાં પોતાનો ખાનગી તબીબી વ્યવસાય ચલાવી રહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જી કે ગજેરાએ ગત રાત્રિના સમયે અમરેલીના રાજકમલ ચોકમાં મૃતક મહિલા તબીબના માનમાં અને આરોપી સામે આકરી કાર્યવાહી થાય તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. જેમાં તબીબોએ પોતાની પાસે પરવાના વાળા કે પરવાના વગરના હથિયારો ફરજ દરમ્યાન રાખવાની વકાલત કરી હતી. ડો ગજેરાએ તેમનુ પરવાના વાળું હથિયાર જાહેરમાં બતાવ્યું છે. જેથી અમરેલી પોલીસે તેના વિરુદ્ધ શરત ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.