કચ્છ: ઈલેક્ટ્રો થર્મ (ET) કંપનીનાના ડિરેક્ટરો, સ્ટાફ અને ગાંધીધામના 2 SP, 3 DySP, PSI સામે CIDમાં ગુનો નોંધતાં ચકચાર મચી જવા પામી છે. ET કંપનીના પૂર્વ કર્મચારીનું બંદૂકના નાળચે અપહરણ કરી ગોંધી રાખી પરાણે રૂપિયા પડાવી મિલકતો લખાવી લેવાયેલી ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાંકળતા કેસમાં 8 વર્ષ બાદ મામલો ફરીયાદ સ્વરૂપે સામે આવ્યો છે. વર્ષ 2015માં પોલીસ અધિકારીઓએ ગુનો બનતો હોવા છતાં ગુનો દાખલ નહોતો કર્યો જેથી સુપ્રીમ કોર્ટના હુકમથી 19 લોકો સામે FIR નોંધવામાં આવી છે.
8 વર્ષ જૂના મામલામાં પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ
કચ્છમાં પોલીસ કર્મચારીઓને સાંકડતો સોપારીકાંડ હજી સુધી ઉકેલાયો નથી તેવામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે અને વર્ષ 2015નો મામલો આખરે ફરીયાદ સ્વરૂપે સામે આવ્યો છે. પોલીસ પર છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને મોટા માથાઓને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. આવો જ એક કિસ્સામાં કચ્છના બે પુર્વ IPS અધિકારી, ત્રણ પુર્વ DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુનો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ હાઈકોર્ટના હુકમથી ગુનો નોંધવામાં આવ્યો છે.
ઇન્ડિયન પીનલ કોડ 1860ની કલમો હેઠળ ગુનો
પૂર્વ કચ્છના તે સમયના તત્કાલીન બે એસપી જી.વી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ.વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે,ચૌહાણ સામે ભુજ CID ક્રાઇમ દ્વારા ઇન્ડિયન પીનલ કોડ 1860ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે IPS સહીત છ પોલીસ અધિકારીઓએ પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણી નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તે ફરીયાદ પર કાર્યવાહી કરવાને બદલે સામખીયાળી પાસે આવેલ ઈલેક્ટ્રોથર્મ (ET) કંપનીના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરીયાદીનો આરોપ હતો જેનો મામલો એક સમયે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જે બાદ આજે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે.
કંપનીમાં ડાયરેક્ટર બનાવવા ઓફર કરાઇ હતી
ફરીયાદી લીલારામ શીરવાણી સામખીયાળી નજીક આવેલા ઇલેક્ટ્રોથમ કંપનીમા નોકરી કરતો હતો જો કે કર્મચારી તરીકે ત્યા કામ કરવા માંગતો ન હોવા છંતા તેને લાલચ આપી કંપનીમાં ડાયરેક્ટર બનાવવા ઓફર કરાઇ હતી. જ્યારે ફરીયાદીને જન થઈ કે તેનો ઉપયોગ લોન લેવા માટે કંપનીના ડાયરેકટર કરી રહ્યા છે જેથી તેને ઓફર સ્વીકારી ન હતી. ફરીયાદીના જણાવ્યા મુજબ તેની પાસેની સંપતી પડાવવા માટે તેનુ બંદુકની અણીએ અપહરણ કરી તેને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ખંડણી રૂપે લાખો રૂપીયા રોકડ તથા કિંમતી સંપતી પચાવી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતુ પરંતુ તેમાંથી બહાર આવ્યા બાદ તેને પોલીસને ફરીયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી.
અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે કરાઈ હતી
પોલીસ દ્વારા જાહેર કરેલી પ્રેસ બ્રીફમાં CID ક્રાઇમે ગુનો નોંધ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમાં પોલીસ અધિકારીના નામોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ફરીયાદમાં જણાવ્યું મુજબ વર્ષ 2015થી સમગ્ર મામલે અપહરiણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ – ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવના પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈં જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવુ દર્શાવવામાં આવ્યુ હતુ જેથી ફરીયાદી કોર્ટના રસ્તે જવાનું નક્કી કર્યું હતું.
ફરિયાદીએ કર્યા પોલીસ પર ગંભીર આક્ષેપો
આ સમગ્ર મામલામાં ઈલેક્ટ્રોથર્મ (ET) કંપનીના માલિક શૈલેષ ભંડારીને અને તેના મળતીયાની મુખ્ય ભૂમિકા હોવાનુ ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે. તો પોલીસ અધિકારીઓએ પણ ફરિયાદ ન નોંધીને ઈલેક્ટ્રોથર્મ (ET) કંપનીના માલિક શૈલેષ ભંડારીને બચાવ કરતા હોવાનું ફરીયાદમાં જણાવાયુ છે. વર્ષ 2015થી ચાલતા આ કેસમાં ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઇકોર્ટ સુધી આ મામલે ફરીયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પ્રતિસાદ ના મળતા તત્કાલીન DGP એ SIT બનાવી તેમાં પણ પોલીસ અધિકારીએ ક્લોઝિંગ રિપોર્ટ ભરી દેવામાં આવ્યા હતા. સતત પોલીસ તથા કંપની દ્રારા આ મામલો સામે ન આવે અને દબાઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેવુ ફરીયાદમાં જણાવાયુ છે.
રોકડ રકમની લૂંટ, દાગીના, કોરા સ્ટેમ્પ તથા કોરા ચેક પર સહીઓ
ફરિયાદી પાસે કોરા કાગળ અને કોરા સ્ટેમ્પ પર બળજબરીથી સહી કરાવી તેમજ બળજબરીથી મિલકત લખાવી લઇ અને ફરિયાદીના માતાના રહેણાંકે જઈ આરોપીઓ દ્વારા બળજબરીથી રોકડ રકમ 20 લાખ તથા 10 લાખના સોનાનાં દાગીના ઉઠાવી લીધા હતા. ફરિયાદીની સિયાઝ ગાડી અને સાહદ મુકેશ ક્રિપલાણીના ત્રણ ડમ્પરોનો બળજબરીથી કબ્જો લઇ ટી.ટી.ઓ. ફોર્મમાં સહી કરાવી લઇ તથા ફરિયાદીને ગાંધી રાખી મારકુટ કરાવી, ડરાવી, ધમકાવી તેની પત્નીને ફોન કરાવી ફરીયાદીને મારી નાખવાનો ભય બતાવી. કોરા સ્ટેમ્પ તથા કોરા ચેક પર સહીઓ કરાવી. બેંકમાંથી 45 લાખ તેમજ 10 લાખ રોકડા બળજબરીથી મેળવી લીધા હતા.
19 લોકો સામે નોંધાઈ ફરીયાદ
આ સમગ્ર મામલે હાઈકોર્ટના હુકમ બાદ બે તત્કાલીન એસપી જી.વી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ.વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે,ચૌહાણ તથા ઈલેક્ટ્રોથર્મ (ET) કંપનીના માલિક શૈલેષ ભંડારી, અનુરાગ મુકેશ ભંડારી, ઈલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટર, સંજય જોષી, બલદેવ રાવલ, અમિત પટવારિકા, હિતેષ સોની, શ્રધર મુલચંદાણી, અનીલ દ્રિવેદી બકંત સોમાણી, પવન ગોર સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. વર્ષ 2015માં અપહરણ સમયે મદદગારી કરનાર કંપનીના તે સમયના અજાણ્યા સીક્યુરીટી ગાર્ડનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે પરમાનંદે ગુજરાત સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટીશન અંતર્ગત 10મી ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટ તમામ લોકો સામે ગુનો દાખલ કરવા હુકમ કરેલો. પરંતુ, શૈલેષ ભંડારીએ સુપ્રીમ કોર્ટમાં જઈ સુપ્રીમ કોર્ટના હુકમ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો. તો 16મી જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટનો મનાઈ હુકમ વેકેટ થઈ જતાં અંતે ભુજ બોર્ડર ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ઈટી કંપનીના એમડી, કર્મચારીઓ અને 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.