કચ્છ : ભુજના એક એવા વ્યક્તિ કે જેમણે બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગમાં કચ્છનું નામ રોશન કર્યું છે. નિખિલ મહેશ્વરી કચ્છના જાણીતા પાવર લિફ્ટર છે અને અગાઉ 5 વખત રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બની ચૂક્યા છે. આ ઉપરાંત ધ્યાન, પ્રાણાયમ અને યોગમાં પણ તેઓ પારંગત છે. તેમણે ધ્યાનની વિશેષ પદ્ધતિના જ્ઞાન થકી હિમાલયના પર્વતમાં માઇનસ ડિગ્રી તાપમાનમાં સતત 6 કલાક સુધી ધ્યાન કરનાર એકમાત્ર કચ્છી પણ છે.
53 વર્ષીય બોડી બિલ્ડર : કચ્છી લોકો આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને પોતાનું તેમજ કચ્છનું નામ રોશન કરી રહ્યા છે. ભુજના 53 વર્ષીય નિખિલ મહેશ્વરી વર્ષ 1997 થી બોડી બિલ્ડિંગ અને પાવર લીફ્ટિંગ કરે છે. તેઓ 16-17 વર્ષની વયથી ભુજની વ્યાયામ શાળામાં કસરત કરવા જતા હતા. ત્યારથી તેમને બોડી બિલ્ડીંગનો શોખ લાગ્યો અને પછી જીમમાં વર્ક આઉટ કરીને તેમને પોતાની ફિટનેસને જાળવી રાખી છે.
નિખિલ મહેશ્વરી : નિખિલ મહેશ્વરીએ વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ભાષા વિજ્ઞાનમાં Phd કર્યું છે. તેમના અભ્યાસ કરતા પહેલા તેઓ બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતા હતા. વર્ષ 1999 માં તેમને ગુજરાતમાં યોજાયેલી સ્પર્ધામાં સેકન્ડ રનર્સ અપ રેન્ક મેળવ્યો હતો. નિખિલભાઈએ Phd અભ્યાસ સમયે થોડા સમય માટે સ્પર્ધામાં ભાગ લેવાનું મુલતવી રાખ્યું હતું, પરંતુ કસરત કરવાનું ચાલુ જ રાખ્યું હતું.
7 વખત નેશનલ ચેમ્પિયન : વર્ષ 2009 માં રાષ્ટ્રીય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં તેઓ રનર્સ અપ થયા. ત્યારબાદ વર્ષ 2010, 2011 અને 2012 માં તેઓ ચેમ્પિયન બન્યા હતા. તો ગુજરાતમાં પણ રાજ્ય સ્તરની બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં પણ તેઓ 4 વખત ચેમ્પિયન બન્યા છે. પાવર લિફટિંગ પણ બોડી બિલ્ડિંગનો એક ભાગ છે, જેની ચેમ્પિયનશિપમાં પણ તેઓ 7 વખત નેશનલ ચેમ્પિયન બન્યા છે.
પાવર લિફ્ટિંગમાં બતાવ્યો દમ : નિખિલ મહેશ્વરીએ પાવર લિફ્ટિંગમાં 140-145-152 કિલોથી પાવર લિફ્ટ કરવાની શરૂઆત કરી હતી, વધુમાં વધુ તેમણે 510 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. કેરળમાં આયોજિત પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં તેઓ 510 કિલોની ડેડલિફ્ટ પણ કરી ચૂક્યા છે. પાવર લિફ્ટિંગમાં તેઓ ડેડલિફ્ટ સાથે સાથે બેન્ચ પ્રેસ પણ કરે છે.
કચ્છ ગૌરવ : વર્ષ 2023 માં કશ્મીરના શ્રીનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફટિંગ સ્પર્ધામાં સહિતની વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં નિખિલ મહેશ્વરીએ મેડલ મેળવ્યા છે. નિખિલ મહેશ્વરીએ માસ્ટર કેટેગરીમાં ભાગ લીધો અને રજત પદક મેળવ્યો હતો. દેશભરમાંથી આવેલા 50 સ્પર્ધકોમાંથી નિખિલભાઈએ દ્વિતીય સ્થાને વિજેતા બની કચ્છનું નામ રોશન કર્યું હતું.
તુમ્મો ધ્યાન સાધક : ઉલ્લેખનીય છે કે નિખિલભાઈએ તિબેટના લામા સાધુઓ, કે જેઓ ભારત આવીને વસ્યા છે, તેમની પાસેથી એક વિશેષ ધ્યાન પધ્ધતિનું જ્ઞાન પણ મેળવ્યું છે. જેના થકી નિખિલભાઈ હિમાલયના પર્વતોમાં માઇનસ 8 ડિગ્રી તાપમાનમાં 6 કલાક સુધી સતત તુમ્મો ધ્યાન કરનાર એકમાત્ર કચ્છી છે. આ ધ્યાન દરમિયાન તેમને બરફની શીલાનો 10 ઇંચ જેટલો ભાગ પીગાળી દીધો હતો.
યોગ શકિતનો અસાધારણ કિસ્સો : વર્ષ 2019 માં લખનઉમાં યોજાયેલ એક સ્પર્ધામાં નિખિલ મહેશ્વરી અસાધારણ રેકોર્ડ સ્થાપ્યો હતો. તેમણે 93 કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો, પરંતુ તેમનું વજન 2.5 કિલો વજન વધારે એટલે કે 95.5 કિલો હોતું. આથી તેમને ડિસ્કોલીફાઈ કરવામાં આવ્યા હતા. નિખિલભાઈએ નિર્ણાયકોને રજૂઆત કરી કે મને માત્ર 30 મિનિટનો સમય ફાળવવામાં આવે જેથી પોતાનું વજન ઓછું કરીને આ સ્પર્ધામાં ભાગ લઈ શકું. લોકો તેમની આ વાત પર હસ્યા હતા, પરંતુ નિખિલભાઈએ તુમ્મો ધ્યાન કરીને માત્ર 10 મિનિટમાં શરીરમાં ગરમી પેદા કરીને 2.5 લીટર જેટલો પસીનો છૂટો કરીને 93 કિલો વજન કરી બતાવ્યું હતું. જે જોઈને તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
અનોખા યોગ સાધક : નિખિલ મહેશ્વરીએ કહ્યું કે, ધ્યાનના કારણે તેમણે પ્રાણશક્તિ જાગૃત કરી છે. સતત 8 દિવસ ધ્યાનની મદદથી બ્લડ કેન્સર જેવો રોગ પણ મટાડ્યો છે. જેના માટે દરરોજ સવારે 4:30 થી 6:30, 8 થી 11, 1:30 થી 5 અને સાંજે 6 થી 7 એમ ચાર સત્ર મેડિટેશન કર્યું હતું.
એનેસ્થેસિયા વિના કરાવ્યું ઓપરેશન : વર્ષ 2017 માં નિખિલભાઈએ મોટા આંતરડામાં હાજર ત્રણ ગાંઠનું ઓપરેશન એનેસ્થેસિયા લીધા વિના જ કરાવ્યું હતું, જે અડધો કલાક ચાલ્યું હતું. તો વર્ષ 2018 માં કોણીમાં વધી ગયેલા સ્ટુડન્ટ એલ્બોની સર્જરી પણ તેમણે એનેસ્થેસિયા વિના કરાવી હતી. આ ઉપરાંત દર વર્ષે નિખિલભાઈ નવરાત્રી દરમિયાન નિર્જળા ઉપવાસ કરીને પણ જીમમાં કસરત કરે છે.
યોગ શક્તિના અનોખા પ્રયોગો : વર્ષ 2022માં યોગ દિવસ નિમિતે નિખિલ મહેશ્વરીએ તેમના શરીર પર ફોર વ્હીલર દોડાવીને યોગ શકિતનું પ્રદર્શન કર્યું હતું. તો સાથે જ 200 ml જેટલું કીટનાશક ઝેર પણ પીધું અને આ કીટનાશક ઝેર તેમણે 45 મિનિટ સુધી પોતાના પેટની અંદર રાખ્યું હતું. ત્યારબાદ ઝેરને બહાર કાઢ્યું હતું. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ પણ તપ, સાધના અને યોગની મદદથી સામાન્ય લોકો માટે અશક્ય લાગતાં અનેક પ્રયોગ કરતા હતા, તે પણ પ્રાણ શકિતનું જ સ્વરૂપ કહી શકાય.