સુરત : સુરતમાં ફર્નિચરનું કામ કરતા એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે મૃતકે સુસાઇડ નોટ લખી પોલીસ વિભાગના એક વરિષ્ઠ અધિકારી પર ગંભીર આક્ષેપ કર્યા છે. મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પોલીસ અધિકારી છેલ્લા ત્રણ દિવસથી તેમને ટોર્ચર કરી રહ્યા હતા. પાલ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાની સુસાઈડ નોટમાં પોલીસ અધિકારીનો નામજોગ ઉલ્લેખ કરતા ચકચાર મચી છે.
51 વર્ષીય શખ્સે આત્મહત્યા કરી : સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિએ લેણદારના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે. 51 વર્ષીય કિશોર મનસુખભાઈ ગોહિલ ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં તેમના પત્ની લતાબેન, 21 વર્ષીય પુત્ર મયુર અને 18 વર્ષીય પુત્ર ક્રિષ્ના છે.
મૃતકે લખી સુસાઈડ નોટ : બુધવારે કિશોર ગોહિલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સમગ્ર મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને મૃતકે લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં મૃતકે લખ્યું હતું કે, પ્રિય લતા, મયુર, ક્રિષ્ના હું તમને છોડીને જવું છું તો મને માફ કરી દેજો. કારણ કે મને ટેન્શન એટલી વધી ગઈ છે. એક પોલીસ અધિકારી છેલ્લા ત્રણ દિવસથી ટોર્ચર કરે છે.
પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ : મૃતકે વધુમાં સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, મેં વિનયભાઈ પાસેથી રૂ. 50 હજાર લીધા હતા. તેઓએ પોલીસને કહ્યું હતું કે મને ટોર્ચર કરે. આખરે મૃતકે લખ્યું હતું કે, જે પીએસઆઇ મારા મૃતદેહની તહકીકાત કરે તેમને જણાવશો કે બીજાને કોઈ આવી રીતે ટોર્ચર ન કરવામાં આવે. કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવે. સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ : આ સમગ્ર મામલે DCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા કિશોરભાઈએ આપઘાત કરી લીધો છે અને સાથે સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટના આધારે અમે સમગ્ર મામલે તપાસ કરીશું અને ત્યારબાદ શું હકીકત છે તે અંગે જાણ કરીશું. આ સુસાઇડ નોટમાં જે કંઈ પણ તથ્ય હશે તેના આધારે પોલીસે તપાસ કરશે.