નવસારી: દાંડીના દરિયા કિનારે રજાની મજા માણવા આવેલા અલગ-અલગ ત્રણ પરિવારના લોકો દરિયામાં નાહ્વા જતાં ડૂબવા લાગ્યા હતાં, આ ત્રણ પરિવારના લોકો દરિયામાં ઊંડે સુધી નાહ્વા જતાં ભરતીના પાણીમાં ફસાઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા, જોકે લોકોની બૂમાબૂમ થતાં સ્થળ પર તૈનાત હોમગાર્ડના જવાનો દ્વારા સમય સૂચકતા વાપરી ભારે જેહમત બાદ બે પરિવારના લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે અન્યને બચાવી શકાયા ન હતાં.
રાજસ્થાનના ભીલવાડાથી નવસારીના દાંડીના દરિયા કિનારે ફરવા આવેલા રાજસ્થાની પરિવારના છ સભ્યો દરિયાની ભરતીમાં ફસાઈ ગયા હતાં જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં, જ્યા દરિયામાં એક પુરુષ, બે બાળક તેમજ અન્ય એક મળી નવસારીના નવા તળાવ ગામની એક મહિલાનો સમાવેશ થાય છે. આમ ચાર લોકો દરિયાની ભરતીમાં ગરકાવ થઈ ગયા હતાં.
સમગ્ર ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો અને સ્થાનિક તરવૈયા તેમજ નવસારી ફાયર વિભાગના જવાનો અને જલાલપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દરિયામાં ગરકાવ થયેલા રાજસ્થાની પરિવારના ચાર સભ્યોની શોધખોળ શરૂ કરી હતી. એકીસાથે પરિવારના ચાર સભ્યો દરિયામાં ડૂબતા રાજસ્થાની પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
દાંડી ગામના પૂર્વ સરપંચ પરિમલભાઈએ જણાવ્યું હતું કે, આજે રવિવારનો દિવસ હોય મોટી સંખ્યામાં લોકો દાંડી દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા જેમાંથી કેટલાંક પરિવારો દરિયામાં નાહવા માટે ગયા હતા પરંતુ આજે દરિયામાં મોટી ભરતી હતી. જે નાહવા ગયેલા સેલાણીઓને ધ્યાને ન આવતા આજે દરિયામાં ઊંડે સુધી નાહવા ગયેલા કેટલાંક પરિવારો ફસાયા હતા જેઓએ બુમાબુમ કરતાં અહી તૈનાત હોમગાર્ડના જવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતાં અને અન્ય ચાર લોકો હજુ દરિયામાં લાપતા છે જેઓને શોધવાની તજવીજ સ્થાનિક તરવૈયા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.