ભાવનગરઃ શહેરમાં માત્ર 12 કલાકમાં આગના 4 બનાવો બન્યા હતા. જેમાં 2 મોટા અને 2 નાના બનાવોનો સમાવેશ થાય છે. વરતેજ અને પીરછલ્લામાં આગની ઘટનામાં માલ સામાન સળગી જવાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગત રાત્રે વરતેજ ગામમાં દુકાનોમાં આગ લાગી હતી. જ્યારે ફાયર વિભાગ બુઝાવી હતી. જો કે આજે વહેલી સવારે જ ભાવનગરની સાકડી ગલી કહેવાતી અને મુખ્ય બજારમાં કાપડની દુકાનમાં આગ લાગી હતી. વિજપુરવઠાની મુશ્કેલી અને ડ્રેનેજના ઢાંકણમાં ફસાયેલા ફાયર એન્જિનને પગલે ફાયર ડિપાર્ટમેન્ટને ભારે હાલાકી થઈ હતી.
વરતેજમાં મોડી રાત્રે દુકાન સળગીઃ ભાવનગરના છેવાડે આવેલા વરતેજ ગામમાં ગત મોડી રાત્રે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ફાયર કોલ બાદ વિભાગની ટીમ વરતેજ ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી શિવમ દુકાનમાં લાગેલી આગના બુઝાવા માટે પહોંચી હતી. જ્યાં 2 ગાડી એટલે કે 16,000 લીટર પાણીનો મારો ચલાવીને આગ બુજાવવામાં આવી હતી. શિવમ દુકાનમાં લેનિંગનો સમાન અને સિલાઈ મશીન જેવો માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
સવારે સાંકડી ગલીની દુકાન સળગીઃ ભાવનગર શહેરની મુખ્ય બજારમાં આવેલી પીરછલ્લા શેરીમાં મોટાભાગે કાપડનો વ્યવસાય થાય છે. જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા ખરીદી કરવા આવતી હોય છે. વહેલી સવાર બાદ કાપડની એક દુકાનમાં આગ લાગી હતી. આગ વિકરાળ હોવાને પગલે ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે આ સમયે પીજીવીસીએલ દ્વારા ફાયર વિભાગની રજૂઆત બાદ પણ ઘણો સમય સુધી વીજ પુરવઠો બંધ નહીં કરતા સ્થાનિકોમા રોષ ફેલાયો હતો. બીજી તરફ ફાયર વિભાગનું ફાયર એન્જિન પણ રસ્તા ઉપર આવેલી ડ્રેનેજની લાઇનના ઢાંકણામાં ફસાયું હતું. આમ આગ બુઝાવા માટે ફાયર વિભાગે કમર કસી હતી.
12 કલાકમાં આગના કુલ 4 બનાવઃ ભાવનગર શહેરમાં ફાયર વિભાગે જણાવ્યું હતું કે, તારીખ 8ના બપોરના 12 કલાકથી તારીખ 9ના બપોરના 12 કલાક સુધીમાં 4 જેટલી આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. જેમાં 2 મોટી અને 2 નાની આગની ઘટનાઓનો સમાવેશ થાય છે. પીરછલ્લામાં લાગેલી આગની ઘટનામાં ફાયર વિભાગને મુખ્ય બજાર જૂના ભાવનગર વિસ્તારમાં હોવાને પગલે સાંકડા રસ્તાઓને કારણે વાહન લઈ જવાનું ભારે પડ્યું હતું. સાંકડી ગલીમાં ભારે વાહન લાવવાની સાથે ડ્રેનેજના ઢાંકણામાં ફસાવાને પગલે વધુ હાલાકી ભોગવવી પડી હતી. આમ છતાં પણ ફાયર વિભાગે હિંમતપૂર્વક આગની ઘટના ઉપર કાબુ મેળવ્યો હતો.