વાપી: વાપી નજીક છરવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતી રમઝાન વાડી વિસ્તારમાં સર્જાયેલી કરૂણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક પ્રસરી ગયો છે. વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજતા ચકચાર મચી ગયો છે. મૃતકોમાં એક જ પરિવારના જોડીયા ભાઈ બહેન હર્ષ સંદીપ તિવારી ઉમર વર્ષ 7, રિદ્ધિ સંદીપ તિવારી ઉંમર વર્ષ 7 અને પાડોશી પરિવારની દીકરી આરુષી રાજેશ સોલંકીનો સમાવેશ થાય છે.
ત્રણ બાળકોના મોત: છરવાડાના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષમાં પરિવાર સાથે રહેતા આ ત્રણ બાળકો શનિવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઘરેથી બહાર રમવા ગયા હતાં. જે મોડી સાંજ સુધી પરત નહિ આવતા તેમના પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. જે દરમ્યાન નજીકમાં વરસાદી પાણીથી ભરાયેલ ખાડા (ખનકી) નજીક બાળકો રમતા હોવાની જાણકારી મળતા ખાડામાં શોધખોળ કરી હતી. જેમાં ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં. એક સાથે ત્રણ માસુમ બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.
તિવારી પરિવારના મૃતક જોડીયા ભાઈ-બેન હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેનમાંથી હતા. જેમાં ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા. બનાવના દિવસે તેઓ બિલ્ડીંગની નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા. રમતા રમતા બિલ્ડીંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક ખાડા (ખનકી) નજીક પહોંચ્યા હતા. જેમાં આ બાળકો ડૂબી ગયા હતા.
પરિવારમાં આક્રંદ છવાયો: ત્રણેય બાળકોને તેમના પરિવારે પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. તબીબોએ મૃત ઘોષિત કરી ડુંગરા પોલીસને જાણ કરી હતી. મોડી રાત્રે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ ગમખ્વાર ઘટનામાં જે પરિવારના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે. તે પરિવારના સભ્યોનું આક્રંદ કાળજું કપાવનારું હતું. વહાલસોયા બાળકોને ખોવાના દુઃખમાં તેઓના આંખમાંથી આંસુ સુકાતા નથી.