ખેડા: ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. સ્વીચબોર્ડમાં કરંટ આવતા એક વ્યક્તિને કરંટ લાગ્યો હતો.જેને બચાવવા જતા અન્ય બે ને પણ કરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના બે સગા અને એક પિતરાઈ ભાઈના મોતને પગલે પરિવારમાં ભારે આક્રંદ ફેલાયો હતો.
ભીના હાથે સ્વીચબોર્ડને અડતા કરંટ લાગ્યો: ઠાસરા તાલુકાના ઢુણાદરાના પરમારપુરામાં રહેતા 28 વર્ષિય જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર ન્હાવા માટે ગયા હતા જ્યાં તેમણે ભીના હાથે સ્વીચબોર્ડને અડતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમને કરંટ લાગતા તેમના મોટાભાઈ નરેન્દ્રભાઈ પરમાર તેમને બચાવવા માટે દોડી ગયા હતા, તેથી જગદીશભાઈને બચાવવા જતા નરેન્દ્રભાઈને પણ કરંટ લાગ્યો હતો.જેને લઈ તે બંનેને બચાવવા માટે નજીકથી તેમના પિતરાઈ ભાઈ ભાનુભાઈ પરમાર પણ દોડી આવ્યા હતા. તેમણે બંનેને બચાવવાનો પ્રયાસ કરતા તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો.
એક જ પરિવારના ત્રણ ભાઈઓના મોત: ઘટનાને પગલે ત્રણેય ભાઈઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમને સારવાર મળે તે પહેલા ત્રણેયના મોત નિપજ્યા હતા.એક જ પરીવારના ત્રણ ભાઈઓના મોત થતાં પરિવારજનો સહિત ગામમાં ભારે શોકની લાગણી ફેલાવા પામી હતી.