વલસાડ: જિલ્લાના દરિયા કિનારેથી ફરી એકવાર ચરસ મળી આવ્યું છે. વલસાડ તાલુકામાં આવેલ ભાગલ ગામના દરિયા કિનારેથી કુલ 21 ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેને પગલે વલસાડ જિલ્લા પોલીસ ફરી દોડતી થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, દરિયામાં કોઈકના દ્વારા પોલીસ તપાસથી બચવા માટે કે મરીન પોલીસની ચકાસણીથી બચવા આ પેકેટો દરિયામાં પધરાવી દેવામાં આવ્યા હતા, અને તે દરિયાના મોજા અને પાણી સાથે તણાઈને કિનારે આવ્યા હોવાની હાલ તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તપાસ એજન્સી સતર્ક બની છે: ગતરોજ પણ પોલીસ દ્વારા સમગ્ર દરિયાઈ પટ્ટા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરી એકવાર આજે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચરસ મળતા જ તમામ એજન્સીઓ સાથે મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સાથે જ વલસાડની એલસીબી એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને તમામ ચરસનો જથ્થો કબજે લીધો હતો. સાથે જ ગતરોજ મળેલા પેકેટ જેવા જ આ પેકેટ દેખાતા હોય જેને લઈને તપાસ એજન્સીઓ સતર્ક બની છે.
21,780 કિલો વધુ જથ્થો મળ્યો: આ સાથે જ સમગ્ર બાબતની જાણ એટીએસને પણ કરવામાં આવી છે. કુલ 21,780 કિલો ચરસ મળી આવ્યું છે. જે અંગે વધુ તપાસ તમામ એજન્સીઓ દ્વારા કરાઈ છે. 21પેકેટ હાલ તો પોલીસે કબજે લઇને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સોમવારે ઉદવાડા ગામના દરિયે થી પેકેટ મળ્યા હતા: સામાન્ય રીતે કચ્છના અખાત અને ભાવનગર જેવા દરિયા કિનારે ડ્રગ્સના બિનવારથી જથ્થા અગાઉ મળ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવા પેકેટ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, સોમવારના રોજ મોડી સાંજે પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતેથી 10 જેટલા પેકેટ પોલીસે બિનવારસી હાલતમાં કબજે કર્યા હતા તેની અંદાજિત કિંમત પોલીસે 5 કરોડ 87 લાખ રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે.
ઉદવાડા ગામ ખાતે મળી આવેલા પેકેટ જેવાજ આબેહૂબ પેકેટ: સોમવારના રોજ ઉદવાડા ગામના દરિયા કિનારેથી મળી આવેલા ચરસના જેટલા પેકેટ જેના ઉપર અંગ્રેજીમાં નારકો અને ઉર્દુ ભાષામાં કેટલાક શબ્દો અંકિત હતા એવા જ આબેહૂબ પેકેટ આજે વલસાડના ભાગળના દરિયાકાંઠેથી મળી આવ્યા છે. એટલે કે ઉદવાડા ગામ અને વલસાડના ભાગળ ખાતેથી મળેલા પેકેટો એકસરખા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સાંજે ફરીથી વલસાડના દરિયાકાંઠે આવેલા ભાગળ ગામે વધુ 21 જેટલા પેકેટો મળી આવતા ચકચાર બચી ગઈ છે. હાલ તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મામલે એ.ટી.એસને જાણ કરાઈ છે.