રાજકોટઃ આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. આ જનરલ બોર્ડની બેઠકમાં આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા બંને કોર્પોરેટરોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેના મનપા ખાતે કારણે ભારે હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જ્યારે આ બંને કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા બંને કોર્પોરેટરોની અટકાયત કરાઈ હતી. આ સાથે જ જનરલ બોર્ડમાં માત્ર પાણીની ચર્ચામાં જ પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે બોર્ડમાં વશરામ સાગઠીયા સહિતના કોર્પોરેટરને પ્રવેશ આપવામાં ન આવતા કોર્પોરેટરે આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં મનપાના સેક્રેટરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.
કોંગી કોર્પોરેટર સાગઠીયાની ચિમકીઃ સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા મારી ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા હાઇકોર્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો છે. મનપા દ્વારા જ્યારે અમને ડીશ ક્વોલિફાઇડ કરવા માટેનો લેટર લખવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, અમારું કોર્પોરેટર પદ શરૂ રાખવામાં આવે. ત્યારે સેક્શન ઓફિસર દ્વારા હાઇકોર્ટના હુકમનો આદેશ કરવાનો પત્ર અમને ગઈકાલે આપવામાં આવ્યો છે. જે પત્ર લઈને મેં આજે મનપા સેક્રેટરીને રજૂઆત કરી હતી, પરંતુ સેક્રેટરી દ્વારા અમને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો. જેના કારણે હવે આ મામલે અમે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી છે અને અરજીમાં તપાસ બાદ પણ પોલીસ ફરિયાદ નહીં કરે તો હું આ માલને કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવાનો છું.
શહેરી વિકાસમાંથી પત્ર આવ્યો નથીઃ બીજી તરફ મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા જે પણ આદેશ આપવામાં આવ્યા છે તેનું પાલન કરવું પડે, પરંતુ એક વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે. જ્યારે કોર્પોરેશનના કોઈપણ સભ્યો હોય જેમાં હાઇકોર્ટ હુકમ કર્યા બાદ ચૂંટણી પંચમાં આ હુકમની બજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મામલે ચૂંટણી શાખામાં બજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો શહેરી વિકાસ પાસે જાય અને શહેરી વિકાસ પત્ર દ્વારા કોર્પોરેશનને જાણ કરે છે, પરંતુ શહેરી વિકાસ દ્વારા રાજકોટ કોર્પોરેશનની આ મામલે હજુ સુધી જાણ કરાઈ નથી. જેના કારણે કોંગ્રેસના કોર્પોરેટરોને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી.