વલસાડ: જિલ્લાની મુખ્ય નદીઓમાંથી એક નદી કોલક છે. કપરાડા તાલુકાના વાળવેરી ખાતે આવેલા ડુંગરની તળેટીમાં કોલક નદીનું ઉદ્દગમ સ્થાન છે. જે ત્યાંથી નીકળ્યા બાદ છેક દમણ નજીકમાં આવેલા કોલક ગામે અરબી સમુદ્રને મળે છે. વાપી નજીકમાં આવેલા રાતા પાંડોર અને અંબાચ વચ્ચે પસાર થતી નદી ઉપર છેલ્લા કેટલાક સમયથી બ્રિજની કામગીરી ચાલી રહી હતી. હવે આ કામગીરી પૂર્ણ થઈ હોવાની જાણકારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિભાગ તરફથી મળી રહી છે.
કોલક નદી પરના પુલની મુખ્ય વિશેષતાઓ: લંબાઇ 160 મીટર, 4 ફુલ સ્પાન ગર્ડર (પ્રત્યેક 40 મીટર), થાંભલાની ઊંચાઈ – 14 મીટરથી 23 મીટર, 4 મીટર (2 નંગ) અને 5 મીટર વ્યાસ (3 નંગ)ના ગોળાકાર વીંધે છે. આમ કોઈ પણ ઋતુમાં ટકી શકે એવા મજબૂત બ્રિજનુ બાંધકામ પૂર્ણ થયું છે.
55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થશે: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બનાવવામાં આવી રહેલ ઇન્ફાસ્ટ્રક્ચરમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે. સાથે જ 15 લાખ મેટ્રિક ટન જેટલા સ્ટીલનો ઉપયોગ પણ ઇન્ફાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આમ 508 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટમાં કુલ 24 જેટલા બ્રિજો બનાવવામાં આવનાર છે.
કોલક વલસાડની લોકમાતા પૈકી એક નદી: આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો સમાવેશ થાય છે અને હવે કોલક નદી ઉપર પણ બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. એટલે વલસાડ જિલ્લામાં મોટા ભાગની નદીઓ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે.
વાપીથી 7 કિમી દૂર છે બ્રિજ: વાપી નજીકમાં આવેલા ડુંગરા ગામે બુલેટ ટ્રેનનુ એક મોટુ એટલે કે, સુરત બાદ છેલ્લુ અને મુંબઈ બાદ ગુજરાતનુ પ્રથમ સ્ટેશન વાપી ડુંગરા ખાતે નિર્માણ થઈ રહ્યું છે. જ્યાંથી કોલક નદીનો બ્રિજ કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિ.મી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિ.મી દૂર છે. જે હાલ સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ચૂક્યો છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે કુલ 12 જેટલા સ્ટેશનો બની રહ્યા છે: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2026 સુધી શરૂ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જોકે મુંબઈ અને અમદાવાદ વચ્ચે કુલ 12 જેટલા સ્ટેશનોનુ નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રના બોઈસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે.
મુંબઈ-અમદાવાદનું અંતર માત્ર બે કલાક 15 મિનિટમાં પૂર્ણ થશે: મુંબઈ અમદાવાદ કોરિડોર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટર જેટલું અંતર બુલેટ ટ્રેન દ્વારા માત્ર બે કલાક અને 15 મિનિટમાં કાપવામાં આવશે. જેમાં ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેથી આ અંતર માત્ર બે કલાક અને 15 મિનિટમાં પૂર્ણ થઈ જશે.
2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ જાપાનના પી.એમ દ્વારા કરાયો હતો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે 2026 સુધી શરૂ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની પ્રથમ ટ્રાયલ સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ કરવામાં આવશે. જો કે, આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વર્ષ 2017 માં 14 સપ્ટેમ્બરના રોજ જાપાનના તત્કાલીન પી.એમ સિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યો હતો.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન 2026 સુધી શરૂ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ રનીંગ સુરત બીલીમોરા વચ્ચે શરૂ કરવામાં આવશે એવી પણ જાણકારી મળી રહી છે.