પાટણ: શહેરમાં આવેલ ગણેશ આશ્રમ ખાતે મંગળવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જળના પવિત્રકરણ માટે વિદ્વાન બ્રાહ્મણો થકી 999 નદીઓ તેમજ 64 તિર્થ ક્ષેત્રોનું આહ્વાન કરીને જળના પવિત્રકરણની સાથે સાથે જગત જનની મા જગદંબાનું આહ્વાન કરીને માને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું . તે માટે નવદુર્ગાના પ્રતિક સ્વરૂપ નવ કુંવારી દિકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.જગદંબાને રિઝવવા માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીની સ્તુતિ કરી શાસ્ત્રોક્ત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું.
પાટણમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી: આ અવસરે માતાજીને સાક્ષી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમજ મખમલનું કાપડ તેમજ ફૂલોથી અલંકારીત પાલખીમાં ભગવાન જગન્નાથજી અને તેમના પરિવારને જયઘોષ સાથે બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજીનું પૂજન અર્ચન કરીને જય રણછોડ, માખણચોરના ગગનભેદી નારા સાથે કાવડમાં જળયાત્રા પાટણના રાજમાર્ગો ઉપર ઢોલ-નગારા સાથે વરસતા વરસાદમાં પ્રસ્થાન થઈ હતી.જેમાં મોટી સંખ્યા ભાવિક ભક્તો જળયાત્રામાં જોડાયા હતા.
જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને નિજમંદિર પહોચશે: આ જળયાત્રા ગણેશ આશ્રમથી નીકળીને સુભાષ ચોક, જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોકથી મુખ્ય બજારમાં થઈ ઘીવટા નાકાથી નિજમંદિર પહોંચશે બાદમાં ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવશે. અભિષેક માટે અભિમંત્રિત જળમાં ઘી, દૂધ, દહીં, સાકર, ગુલાબજળ, કેવડાજળ, યમુનાજળ, કેસર, ચંદન જેવા કુદરતી દ્રવ્યો નાંખીને ભક્તો ભગવાનને રિઝવવા પ્રયત્ન કરાશે. ભક્તોએ આ જળયાત્રામાં જોડાઇને ધન્યતાની લાગણી અનુભવી હતી.