ગાંઘીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો કલોલ ખાતે આજે ભવ્ય રોડ યોજાયો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં સામાન્ય મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે લોકોનો અભિવાદન કર્યું હતું. વિવિધ સમાચાર અને વેપારી મંડળોએ પરંપરાગત રીતે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કલોલ આવી પહોંચ્યા હતા. અમિત શાહે નિતીન પટેલને પોતાની સાથે રથમાં રાખ્યા હતા. etv ભારતે નિતીન પટેલનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ કર્યું હતું. તો ચાલો જાણીએ કે, લોકસભા ચૂંટણીને લઈને નીતિનભાઈ શું જણાવ્યું.
Etv ભારત - આજે કલોલમાં ભગવામાં વાતાવરણ બન્યું છે. તમે પણ રાજનીતિમાં લાંબો સમય કામ કર્યું છે. કલોલ અને ગાંધીનગરમાં ભાજપને કેવી સફળતા મળશે?
નીતિન પટેલ - 2014 અને 2019 માં બંને વખતે ગુજરાતની જનતાએ 26 એ 26 સીટ ભારતીય જનતા પાર્ટીને આપી છે. નરેન્દ્ર મોદી બે વાર દેશના વડાપ્રધાન બન્યા છે. દેશના 140 કરોડ લોકો નરેન્દ્રભાઈને ત્રીજી વાર 400 સીટના સમર્થનથી દેશના વડાપ્રધાન જોવા માંગે છે. દસ વર્ષની મોદીને કામગીરી, અમિતભાઈ શાહને પાંચ વર્ષની કામગીરી, તેમની ધારાસભ્ય તરીકેની કામગીરી બધાએ જોઈ છે. ત્વરિત નિર્ણય અને બધાને મદદરૂપ થવાની ભાવના અમિતભાઈમાં છે. તેઓ અતિ વ્યસ્ત હોવા છતાં દિલ્હીમાં રહીને પણ તેમના લોકસભા ક્ષેત્રનો સંપૂર્ણ વિકાસ કર્યો છે. કલોલ, સાણંદ અને અમદાવાદ શહેર સહિતના વિસ્તારમાં નાના નાના ગામડાથી માંડીને અમદાવાદ મહાનગર સુધી બધા લાભ લઈ શકે તેવી અનેક યોજનાઓ નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં ચાલે છે. આ બધી યોજનાનો લાભ અમિતભાઈ અહીં અપાવ્યો છે. તેનો ઉત્સાહ પ્રજામાં જોઈ શકાય છે.
Etv ભારત - વિપક્ષનો આક્ષેપ છે કે વિકાસ થયો છે પરંતુ, રોજગારીની સમસ્યા છે. સ્થાનિક લોકોને રોજગારી ઓછી મળી રહી છે. સ્થાનિકોને રોજગારી માટે સરકારો શું કરશે?
નીતિન પટેલ - સ્થાનિક લોકોને બધી જગ્યાએ રોજગારી મળે છે. નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના સહિત બધી જ સિંચાઈ યોજનાઓનું પાણી ખેડૂતોને મળી રહ્યો છે. પાણીથી ભરપૂર રાજ્ય ગુજરાત બન્યું છે. ખેડૂતોને આવકમાં પૂરતો વધારો થયો છે. આંતર માળખાકીય સુવિધાઓ પણ વધી છે. તમામ ક્ષેત્રમાં બધું સારું થયું છે.
Etv ભારત - ઉત્તર ગુજરાતનો તમને લાંબો અનુભવ રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસ ફાઇટમાં હોય તેવું લાગી રહ્યું છે. તમારો અનુમાન કેવું છે?
નિતીન પટેલ - કોંગ્રેસ કોઈ જગ્યાએ ફાઈટમાં નથી. ભાજપ ત્રીજી વાર 26 એ 26 સીટ જીતશે. નીતિન પટેલે રાજ્યની તમામ સીટો જીતીને વિકસિત ભારત 2047 ના મંત્રને સિદ્ધ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.