ખેડાઃ ખેડા જિલ્લાના કઠલાલમાં વાહન ચલાવવા બાબતે વાહન ચાલકને માર મારવા મામલે શનિવારે મોડી રાત્રે બે કોમના ટોળા વચ્ચે અથડામણ થવા પામી હતી. લાકડીઓ સહિતના હથિયારો સાથે ટોળા સામસામે આવતા શહેરમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી તેમજ એક બાઈકને આગ ચાંપી દેવામાં આવી હતી. જેને લઈ પોલિસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલ શહેરમાં સ્થિતિ પૂર્વવત બની છે અને શાંતિનો માહોલ છે. સમગ્ર મામલમાં પોલિસ દ્વારા બે ફરિયાદ નોંધી કુલ 300 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કાર્યવાહી દરમ્યાન પોલિસ દ્વારા 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બાઈક ચાલકને માર મારતા સર્જાઈ હતી અથડામણ
શનિવારે સાંજે પીઠાઈ ટોલબૂથ બાજૂથી એક વ્યક્તિ પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા. ત્યારે પાછળથી એક ફોર વ્હીલરવાળાએ બાઈક ધીમું ચલાવવા બાબતે નજીક ગાડી લાવી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા ઓવરબ્રિજે ગાડીવાળાએ બાઈક ઉભુ રખાવી બીજા પાંચ સાત જણા આવી બાઈકવાળા પાસે ધોલ ઝાપટ કરી હતી. જે ઘટના બાદ મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે આવતા મામલો ઉગ્ર બન્યો હતો. કઠલાલમાં મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે આવી જતા ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. લાકડી, દંડા સહિતના હથિયારો સાથે ટોળાં વચ્ચે અથડામણ થઈ હતી. ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે દરમ્યાન એક બાઈકને આગ ચાંપી સળગાવી દેવામાં આવી હતી. જેને લઈ એેસપી સહિત પોલિસ કાફલો પહોંચ્યો હતો. સ્થિતિ નિયંત્રિત કરી શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલિસે 300 લોકો સામે ગુનો નોંધી 14 ની ધરપકડ કરી
હાલ શહેરમાં સ્થિતિ સામાન્ય છે અને સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે. ઘટનામાં પોલિસ દ્વારા બે ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં બાઈક ચાલક સાથે મારામારી મામલે પાંચથી સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે જૂથ અથડામણ અને તોડફોડ મામલે 300 લોકોના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલિસ દ્વારા 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.