કચ્છ: શિક્ષણ મેળવવો એ દરેક બાળકનો અધિકાર છે. પરંતુ આ શિક્ષણ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકની પણ જરૂર રહે છે ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે કે, જેમાં 1132 જેટલા શિક્ષકોની ઘટ છે.
કચ્છ જિલ્લામાં 1132 શિક્ષકોની ઘટ: જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ," કચ્છમાં કુલ 1665 જેટલી શાળાઓ છે, જેમાં 10 તાલુકાઓમાં પ્રાથમિક વિભાગમાં 9499 શિક્ષકોનું મહેકમ મંજૂર છે. તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની શાળામાં 7420 શિક્ષકો તેમજ 947 જેટલા જ્ઞાન સહાયકો ફરજ બજાવે છે, જે મુજબ જિલ્લામાં 1132 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી છે."
જીલ્લામાં કુલ 947 જેટલા જ્ઞાન સહાયકો: જિલ્લામાં પૂરતા શિક્ષકો હોવા જરૂરી છે. ત્યારે જ્ઞાન સહાયકોની ભરતી પછી પણ જીલ્લામાં 1132 જેટલા શિક્ષકોની ઘટ છે. જે કચ્છના શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. જિલ્લામાં ધોરણ 1 થી 5માં 5667 શિક્ષકોનું મહેકમ મંજૂર છે. જેની સામે 4413 જેટલા શિક્ષકો હાલમાં ફરજ બજાવે છે. જ્યારે ધોરણ 6 થી 8માં 3832 શિક્ષકોનું મહેકમ મંજૂર છે. જેની સામે 3007 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ધોરણ 1 થી 8માં જીલ્લામાં કુલ 947 જેટલા જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા છે.
12થી 13 ટકા શિક્ષકોની ઘટ: આગામી સમયમાં ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગની વડી કચેરીના માર્ગદર્શન મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. હાલમાં જ મુખ્ય મંત્રી દ્વારા શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ક્રમશઃ ખાલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કચ્છમાં પણ જે શિક્ષકોની ઘટ છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. એવી આશા છે. હાલમાં જીલ્લામાં શિક્ષકોના કુલ મહેકમની સામે 12થી 13 ટકા જેટલી ઘટ છે. અને હાલમાં અન્ય શિક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
તાલુકા મુજબ શિક્ષકોની ઘટ
તાલુકો | કુલ મહેકમ | શિક્ષકો | જ્ઞાન સહાયકો | ખાલી જગ્યા |
---|---|---|---|---|
અબડાસા | 848 | 581 | 68 | 199 |
અંજાર | 744 | 639 | 77 | 28 |
ભચાઉ | 982 | 736 | 115 | 132 |
ભુજ | 2014 | 1630 | 181 | 202 |
ગાંધીધામ | 493 | 442 | 28 | 23 |
લખપત | 483 | 347 | 33 | 103 |
માંડવી | 901 | 730 | 99 | 72 |
મુન્દ્રા | 595 | 499 | 57 | 39 |
નખત્રાણા | 948 | 710 | 108 | 131 |
રાપર | 1491 | 1106 | 181 | 204 |
કુલ | 9499 | 7420 | 947 | 1132 |