ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીનો સળવળાટ ગુજરાત રાજ્યના વહીવટી વિભાગમાં પણ થઈ રહ્યો છે. તાજેતરમાં 50 આઈએએસ ઓફિસર્સની બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે જ પીઆઈ પીએસઆઈની બદલીનો પણ ગંજીફો ચીપાયો હતો. અત્યારે મળતી માહિતી અનુસાર વધુ 11 આઈએએસ ઓફિસર્સની બદલીના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. રાજ્યના જીએડી(સામાન્ય વહીવટ વિભાગ) દ્વારા આ આઈએએસ ઓફિસર્સની ટ્રાન્સફરના આદેશ કરાયા છે.
![ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં બદલીની ઋતુ જામી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2024/20644684_b_aspera.jpg)
ટ્રાન્સફરની સીઝનઃ આજે પોલીસ વિભાગમાં પીઆઈ અને પીએસઆઈની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેના સમાચારની શાહી સૂકાઈ પણ નથીને બીજા 11 આઈએએસ ઓફિસર્સની ટ્રાન્સફરના સમાચાર સામે આવ્યા છે. અત્યારે ગુજરાતમાં સરકાર લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી અધિકારીઓને ટ્રાન્સફર કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરથી કોની બદલીના આદેશ ક્યારે અને કયા ઠેકાણે બદલી કરવામાં આવશે તે ઊંટ કઈ કરવટ બેસશે તેના જેવો ઘાટ છે. તાજેતરમાં જ એક સાથે 50 આઈએએસ ઓફિસર્સની બદલી કરવામાં આવી હતી. હવે બીજા 11 આઈએએસ ઓફિસર્સની બદલી કરાઈ છે.
કોની ટ્રાન્સફર ક્યાં?: ગાંધીનગરથી થોડા કલાક પહેલા 11 આઈએએસ અધિકારીઓની બદલીનો આદેશ થયો છે તેમાં પંકજ જોશીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પોસ્ટિંગ અપાયું છે. સુરભી ગૌતમને જીઆઈડીસીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. એન.કે. મીણાની મત્સ્ય ઉદ્યોગ નિયામક તરીકે પોસ્ટિંગ કરાયું છે. ડી.પી. દેસાઈનું પ્રમોશન કરવામાં આવ્યું છે. એ.એમ. શર્માને જીએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર, હિતેશ કોયાની વિકાસ કમિશ તરીકે બઢતી સાથે નિમણૂંક કરાઈ છે. આર. કે. સિંઘનું પ્રમોશન કરીને આઈસીડીએસના કમિશ્નર તરીકે નિમણુંક અપાઈ છે. સંદિપકુમારની ખેતીવાડી અને સહકાર વિભઆગ સચિવ તરીકે નિમણુંક કરાઈ છે. જ્યારે ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ અને એસ. એસ. ગુલાટીને પ્રમોશન આપવામાં આવ્યા છે.