મહીસાગરઃ તાજેતરમાં નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સની ફ્લોર બોલની રમતમાં ગુજરાતની ટીમની સાત મનોદિવ્યાંગ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ક્લસ્ટરની બે દીકરીઓના ઉજ્જવલ પ્રદર્શનનો સમાવેશ હોવાથી રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.
અંતરિયાળ ગામની 2 દીકરીઓઃ સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા ન્યુ દિલ્હી ખાતે ફ્લોરબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લોરબોલની રમતમાં ભારતના ચૌદ રાજ્યોની 98 ખેલાડીઓએ ભાગ લીધો હતો.તેમાં ગુજરાત રાજ્યની ફ્લોરબોલની ટીમની સાત દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે. જેમાં ગુજરાતમાંથી મહીસાગર જિલ્લાના વડાગામ ક્લસ્ટરની બે એથલીટ સુમિત્રા ખાંટ અને શર્મિષ્ઠા પગીનો સમાવેશ થાય છે.
કલેક્ટરે પાઠવી શુભેચ્છાઓઃ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર નેહાકુમારીએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આ બંને દીકરીઓની હિંમત અને ક્ષમતાને બિરદાવી હતી. તેમના કોચ રમેશકુમાર સોલંકી, ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર બાબુ પરમાર સહિત સમગ્ર ટીમને ગુજરાત રાજ્ય અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોં મીઠું કરાવ્યું હતું તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગામી વર્ષ 2025 માં ઇટલી ખાતે યોજાનાર સ્પેશીયલ ઓલિમ્પિક્સમાં તક મેળવી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત સમગ્ર મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સહીત જિલ્લા શિક્ષણાધિકારી નેલેશકુમાર મુનીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરી, BRC કો.ઓ. રૂપેશ ઉપાધ્યાય, જિલ્લા કો.ઓ.રમણભાઈ, દિવ્યાંગ બાળકોના શિક્ષકોએ આ બંને દીકરીઓ અને તેમના કોચ, મેનેજરને અભિનંદન સાથે પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉમદા કાર્યઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશ્યલ ઓલિમ્પિક્સ દ્વારા માનસિક-ક્ષતિ ધરાવતા બાળકો કે વ્યક્તિઓને વિવિધ રમતોની તાલીમ આપીને જુદી-જુદી હરિફાઈ માટે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા રમતવીરોને તેમની શારીરિક ક્ષમતા વધારવાની તકો મળે તેમજ તેમની હિંમતનું પ્રદર્શન કરી શકે અને રમતના આનંદનો અનુભવ કરી શકે સાથે સાથે તેમની અંદર રહેલી ક્ષમતાઓ, આવડતોની આપ-લે બીજા રમતવીર સાથે કરી શકે અને તેમને સમાજ સાથે એકરૂપ થવાની સમાન તકો પ્રાપ્ત થાય તેવા ઉમદા પ્રયત્નો કરવામાં આવે છે.
દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા કચ્છમાં યોજાયો દિવ્યાંગ રમતોત્સવ
અકસ્માતમાં પગ ગુમાવ્યો હિંમત નહીં, ખેડાની સાદિકા મીરે અત્યાર સુધી 12 ગોલ્ડ મેડલ કર્યા પોતાના નામે