નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ માટે BCCIની શોધ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરનું નામ ભારતના કોચ બનવા માટે સૌથી આગળ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રાહુલ દ્રવિડની જગ્યાએ ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ગૌતમ ગંભીરના નામની જાહેરાત થઈ શકે છે.
મુખ્ય કોચ તરીકે ગંભીરની જાહેરાત ક્યારે થશે: તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે. રાહુલનો કાર્યકાળ 30 જૂન 2024ના રોજ પૂરો થશે. આવી સ્થિતિમાં, આશા છે કે ટીમ ઈન્ડિયાના નવા કોચની જાહેરાત 25 જૂનથી 30 જૂનની વચ્ચે થઈ શકે છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બની શકે છે. ગંભીરના કાર્યકાળની વાત કરીએ તો, તે 1લી જુલાઈ 2024થી 31મી ડિસેમ્બર 2027 સુધી ટીમ ઈન્ડિયાના કોચ પદ પર રહી શકે છે. બીસીસીઆઈ દ્વારા નવા કોચ માટે આ તારીખ નક્કી કરવામાં આવી છે. ગંભીરે તાજેતરમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેન્ટર તરીકે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો છે.
કેવો રહ્યો રાહુલનો કાર્યકાળ: રાહુલ દ્રવિડ ભારતીય ટીમને ICCની એકપણ ટ્રોફી નથી અપાવી શક્યો. તેમના કાર્યકાળ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ, ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ રમી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. હવે રાહુલ ટીમને વિદાય આપવાનો છે. તે પોતાના અંતિમ દિવસોમાં ટીમ ઈન્ડિયાને ICC T20 વર્લ્ડ કપની ટ્રોફી કેમ અપાવી શકશે.