નવી દિલ્હીઃ પાકિસ્તાન આગામી વર્ષે 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. પાકિસ્તાન આ માટે પૂરા દિલથી કામ કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પાકિસ્તાનની મુલાકાત હજુ સુધી કન્ફર્મ થઈ નથી, જો કે, પાકિસ્તાનને પૂરી આશા છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે.
હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ન આવવાની સલાહ આપી છે. તેણે ભારત અને ભારતીય ટીમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સ્પોર્ટ્સ તકને કહ્યું, 'પાકિસ્તાનની સ્થિતિ જુઓ, હું કહું છું કે ભારતીય ટીમે પાકિસ્તાન ન જવું જોઈએ.
તેણે વધુમાં કહ્યું કે, "પાકિસ્તાને તેના વિશે વિચારવું જોઈએ, પછી ICC તેનો નિર્ણય લેશે અને સંભવ છે કે તે હાઇબ્રિડ મોડલ (એક કરતાં વધુ દેશ મેજબાની કરે) હશે અને તે દુબઈમાં રમાશે. કનેરિયાએ કહ્યું, 'ખેલાડીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. આદર એ બીજી પ્રાથમિકતા છે. ઘણી વસ્તુઓ છે. મને લાગે છે કે BCCI સારૂ કામ કરી રહ્યું છે. મને લાગે છે કે તમામ દેશો અંતિમ નિર્ણય સ્વીકારશે."
આ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતીફે કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે તે 50 ટકા નિશ્ચિત છે. તેની પાછળનો તર્ક એ હતો કે, પાકિસ્તાને જય શાહને આઈસીસીના અધ્યક્ષ બનવાનો વિરોધ કર્યો ન હતો, જેથી કહી શકાય કે ભારતનો પાકિસ્તાનનો પ્રવાસ લગભગ શક્ય છે.
ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ નથી, જોકે, ભારત ઈચ્છે છે કે, હાઈબ્રિડ મોડલના આધારે ભારતની મેચ અન્ય કોઈ જગ્યાએ યોજવામાં આવે. જોકે, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ભારતના પાકિસ્તાન પ્રવાસની સંભાવના પર ટિપ્પણી કરી હતી. જો કે, તેમણે કહ્યું કે આ માટે તે સરકારની પરવાનગી પર નિર્ભર છે.
તમને જણાવી દઈએ કે, જો ભારત સરકાર ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપે છે, તો તે 2008 પછી પહેલીવાર હશે અને ભારત 16 વર્ષ પછી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે લોજિસ્ટિક્સની ચિંતાઓને હળવી કરવા માટે ભારતની મેચ લાહોરમાં યોજવામાં આવી શકે છે, જે સરહદની નજીક છે.